‘પદ્માવતી’ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની કરણી સેનાની માગણી

નવી દિલ્હી – શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ વિવાદાસ્પદ બની ગયેલી ‘પદ્માવતી’ ફિલ્મને U/A સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાની પરવાનગી આપવા બદલ કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાની તથા સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોશીની આજે ઝાટકણી કાઢી છે અને એવી માગણી કરી છે કે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

કરણી સેનાના નેતા સુખદેવ સિંહ ગોગામેડીએ અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હું કેન્દ્ર સરકારને એ પૂછવા માગું છું કે આ ફિલ્મનું સમર્થન કરીને એને શું ફાયદો થશે? તમામ હિન્દુવાદી પાર્ટીઓ આ ફિલ્મ મામલે ચૂપ છે.

સુખદેવ સિંહે કહ્યું કે ‘પદ્માવતી’ ફિલ્મની નિર્માતા વાયકોમ18 મોશન પિક્ચર્સ કંપની વિદેશી છે. નોટબંધીને કારણે સામાન્ય લોકોને રૂ. 4000 પણ મળી શકતા નહોતા એવા સમયે સંજય લીલા ભણસાલી 160-180 કરોડ રૂપિયા કેવી રીતે મેળવી શક્યા હતા? ભણસાલીએ ડેવિડ હેડલી મારફત બ્રિટનમાંથી આ ફિલ્મનું સર્ટિફિકેટ મેળવ્યું હતું. હેડલી હાલ અમેરિકામાં જેલમાં છે. હું એ જાણવા માગું છું કે ભણસાલીને પણ જેલમાં કેમ પૂરવામાં આવ્યા નથી? દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે એમની પૂછપરછ કેમ કરાતી નથી?

ઉલ્લેખનીય છે કે, સેન્સર બોર્ડે ગયા અઠવાડિયે એવી શરતે ‘પદ્માવતી’ ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો કે ફિલ્મનું શિર્ષક બદલવામાં આવે અને બીજા ચાર સુધારા પણ કરવામાં આવે.

સેન્સર બોર્ડનો નિર્ણય એક બેઠકને પગલે લેવામાં આવ્યો હતો. એ બેઠકમાં પ્રસૂન જોશી અને ઉદયપુરના રાજવી પરિવારના સભ્ય અરવિંદ સિંહ, ઈતિહાસવિદ્દ ચંદ્રમણી સિંહ અને જયપુર યૂનિવર્સિટીના પ્રોફેસર કે.કે. સિંહની બનેલી વિશેષ સમિતિના સભ્યોએ હાજરી આપી હતી.

દરમિયાન, કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું છે કે જો ‘પદ્માવતી’ને રિલીઝ કરવામાં આવશે તો અમારું જૂથ 27 જાન્યુઆરીએ ચિત્તોડગઢમાં વિરોધ કરશે. એ વિરોધ ભયાનક ભૂકંપ જેવો હશે અને એના આંચકા દરેક જગ્યાએ લાગશે.

ગોગામેડીનું કહેવું છે કે ‘પદ્માવતી’ ફિલ્મ જોયા પછી અરવિંદ સિંહ અને કે.કે. સિંહે કહ્યું હતું કે આ ફિલ્મ રિલીઝ થવાથી વિરોધ ઊભો થશે. તે છતાં પ્રસૂન જોશીએ ફિલ્મને લીલી ઝંડી આપી છે. જો સેન્સર બોર્ડને પોતાની રીતે નિર્ણય લેવો હતો તો અમારા સમુદાયમાંથી લોકોને બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ શા માટે આપ્યું હતું? અમે આ ફિલ્મ સામે વિરોધ નોંધાવીશું અને સ્મૃતિ ઈરાની તથા પ્રસૂન જોશીના પૂતળાં બાળીશું.

પ્રસૂન જોશી કહી ચૂક્યા છે કે વિશેષ સમિતિએ માત્ર સેન્સર બોર્ડને ભલામણ જ કરવાની હતી. ફિલ્મને રિલીઝ કરવી કે નહીં એ નિર્ણય સેન્સર બોર્ડ જ લેશે.

‘પદ્માવતી’ ફિલ્મ અગાઉ 1 ડિસેમ્બર, 2017ના દિવસે રિલીઝ કરવાનું નિર્ધારિત હતું, પરંતુ આ ફિલ્મ રાજપૂત સમુદાયના ઈતિહાસનું અપમાન કરે છે એવો રાજપૂત સમુદાયના નેતાઓએ દાવો કર્યા બાદ થયેલા જોરદા વિવાદને કારણે ફિલ્મની રિલીઝને નિર્માતાઓએ મુલતવી રાખી હતી.

આ ફિલ્મમાં દીપિકા પદુકોણ, શાહિદ કપૂર અને રણવીર મુખ્ય ભૂમિકાઓમાં છે.