‘રણવીર સિંહ કરતાં તો મારો તૈમૂર અલી વધારે સ્ટાઈલિશ છે’: કરીના કપૂર

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાને હાલમાં એક ફેશન આધારિત એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં એણે એક ધ્યાનાકર્ષક વિધાન કર્યું હતું. એણે કહ્યું કે, મારો પુત્ર તૈમૂર અલી ખાન સૌથી સ્ટાઈલિશ હયાત માનવી છે. એનામાં રણવીર સિંહ કરતાંય વધારે સારી ફેશન સેન્સ છે.

એવોર્ડ્સ કાર્યક્રમમાં કરીના કપૂરનું એવોર્ડ દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું. એવોર્ડ સ્વીકારતી વખતે એણે ઉપર મુજબ કહ્યું હતું. એણે કહ્યું, ‘હું આ એવોર્ડ મારાં પુત્ર તૈમૂરવતી સ્વીકારી રહી છું, જે સૌથી સ્ટાઈલિશ હયાત માનવી છે. એ ચોક્કસપણે રણવીર તારી કરતાં પણ વધારે સ્ટાઈલિશ છે.’

એ કાર્યક્રમમાં રણવીર પણ હાજર હતો.

કરીના વાત ખરી છે, એનો પુત્ર તૈમૂર સૌથી સ્ટાઈલિશ હયાત બાળક છે અને બોલીવૂડમાં સૌથી મોટો સુપરસ્ટાર પણ છે. મોટા પડદા પર એ એન્ટ્રી ક્યારે કરશે એ તો સમયની વાત છે, પણ એના ઘણા વર્ષો અગાઉ અત્યારે જ એની તસવીરો પાડવવા ફોટોગ્રાફરો સતત ઘેલાં રહેતા હોય છે. ફોટોગ્રાફરો કોઈ એ-કેટેગરીના અભિનેતાઓ કરતાં પણ તૈમૂરની તસવીરો લેવા વધારે દોડાદોડી કરતા હોય છે, પ્રયત્નશીલ રહેતા હોય છે. તૈમૂરની તસવીરો સોશિયલ મિડિયા પર મૂકાય કે તરત જ વાયરલ થઈ જતી હોય છે.

મિડિયાકર્મીઓ તૈમૂર પ્રતિ સતત આકર્ષિત થયેલા રહે એ વિશે સૈફ અલી ખાન અને કરીનાએ નારાજગી વ્યક્ત કરી જ છે તે છતાં તૈમૂર માટે પ્રેસવાળાઓની ઘેલછા ઓછી થઈ નથી.

બેબી ટીમ (પ્રેસવાળાઓએ તૈમૂરનું હુલામણું નામ પાડ્યું છે) પણ ઘણા ફોટોગ્રાફરોનો ફ્રેન્ડ જેવો બની ગયો છે અને પ્રેસવાળા જેવા દેખાય કે એમને ‘મીડિયા’ કહીને બોલાવતો હોય છે.

કરીના તેની નવી ફિલ્મમાં રણવીર સિંહ સાથે ચમકવાની છે. આ ફિલ્મ છે – તખ્ત. એ મલ્ટીસ્ટાર ફિલ્મમાં આલિયા ભટ્ટ, અનિલ કપૂર, જ્હાન્વી કપૂર, ભૂમિ પેડણેકર અને વિકી કૌશલ જેવા કલાકારો પણ છે. ફિલ્મ ઐતિહાસિક કથા પર આધારિત છે. એનું શૂટિંગ આ વર્ષના સપ્ટેંબરમાં શરૂ થવાની ધારણા છે.

કરીના હાલ એની ફિલ્મ ગુડ ન્યૂઝનાં શૂટિંગમાં વ્યસ્ત છે. એમાં તે અક્ષય કુમાર સાથે ચમકશે. આ ફિલ્મ આ વર્ષના અંત ભાગમાં રિલીઝ થવાની ધારણા છે.