ફિલ્મ ઉદ્યોગમાં મારે હજી બે દાયકા સુધી કામ કરવું છેઃ કરીના

મુંબઈ – અભિનેત્રી કરીના કપૂર-ખાન પુત્ર તૈમૂરનાં જન્મ બાદ પોતાનાં શરીરમાં જમા થયેલા અતિરિક્ત મેદને દૂર કરવામાં સફળતા મેળવ્યાં બાદ ફરી રૂપેરી પડદા પર એની અભિનયક્ષમતા પ્રદર્શિત કરવા આતુર બની છે.

કરીનાનું કહેવું છે કે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની સફર ફળદાયી રહી છે અને પોતે બોલીવૂડમાં હજી બીજા બે દાયકા સુધી કામ કરવા માગે છે.

એક મુલાકાતમાં કરીનાએ કહ્યું કે, બોલીવૂડમાં મારી ફિલ્મી સફર માનભરી અને ફળદાયી રહી છે. મને ઈન્ડસ્ટ્રીમાં 18 વર્ષ થઈ ગયા છે અને હજી મારી સફર ચાલુ જ છે. હું હજી બીજા બે દાયકા કામ કરવા માગું છું.

કરીનાએ વર્ષ 2000માં રેફ્યૂજી ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એ અત્યાર સુધીમાં જબ વી મેટ, કભી ખુશી કભી ગમ, તલાશઃ ધ હન્ટ બીગિન્સ, યુવા, ઓમકારા, ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં પોતાની અભિનયક્ષમતા બતાવી ચૂકી છે. બોલીવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં એની ગણના કરવામાં આવે છે.

2016ના ડિસેમ્બરમાં અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં બાદ કરીનાએ તૈમુરને જન્મ આપીને માતૃત્વ ધારણ કર્યું છે.

કરીનાની નવી ફિલ્મ આવી રહી છે વીરે દી વેડિંગ. આ રોમેન્ટિક કોમેડીમાં એની સાથે ભૂમિકા ભજવી છે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનીયાએ.

કરીના મુંબઈમાં ચાલી રહેલા લેક્મે ફેશન વીક ફેશન શોમાં રવિવારે ડિઝાઈનર અનામિકા ખન્ના માટે શોસ્ટોપર તરીકે રેમ્પ પર ઉપસ્થિત થઈ હતી.