કરીના પુત્ર તૈમૂર અલીને કાંખમાં તેડીને વોટ આપવા ગઈ; કોંગ્રેસ પર કંગનાનાં પ્રહાર

મુંબઈ – આજે લોકસભા ચૂંટણી માટે મુંબઈની 6 સીટ માટે થયેલા મતદાનમાં બોલીવૂડનાં મોટા ભાગનાં સિતારાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સવારે, અભિનેત્રી કરીના કપૂર-ખાન એનાં બે વર્ષના પુત્ર તૈમૂર અલી ખાનને કાંખમાં તેડીને પોલિંગ બૂથ ખાતે ગઈ હતી.

તૈમૂરને તેડીને કરીના ચાલીને પોલિંગ બૂથ સુધી ગઈ હતી.

કરીના એકદમ સિમ્પલ પોશાકમાં સજ્જ હતી. એણે ક્લાસિક સફેદ ટી-શર્ટ અને ટોર્ન જીન્સ પહેર્યું હતું. એણે એનાં માથાનાં વાળ છૂટા રાખવાનું પસંદ કર્યું હતું.

તૈમૂર ઓરેન્જ કલરનું ટી-શર્ટ અને ગ્રીન શોર્ટ્સમાં હતો.

મત આપીને બહાર આવ્યા બાદ કરીનાએ એની શાહીવાળી આંગળી બતાવીને તસવીરકારોને પોઝ આપ્યાં હતાં.

કરીના ટૂંક સમયમાં જ ‘ગૂડ ન્યૂઝ’ ફિલ્મમાં જોવા મળશે. એમાં તે અક્ષય કુમાર, દિલજીત દોસાંજ અને કિઆરા અડવાની સાથે કામ કરી રહી છે. તે ઉપરાંત એ ‘તખ્ત’માં રણવીર સિંહ, અનિલ કપૂર સાથે કામ કરી રહી છે.

કંગનાએ કર્યાં કોંગ્રેસ, સોનિયા ગાંધી પર શાબ્દિક પ્રહારો

દરમિયાન, કંગના રણૌતે પણ અન્ય ફિલ્મ કલાકારોની જેમ મતદાન કર્યું હતું. એ ભાજપ-તરફી વલણ માટે જાણીતી છે. મતદાન કરીને એ બહાર આવી હતી અને તસવીરકારોને પોતાની શાહીવાળી આંગળી બતાવીને પોઝ આપ્યાં હતાં, પણ પત્રકારો સાથેની વાતચીતમાં એણે કોંગ્રેસ અને ખાસ કરીને સોનિયા ગાંધીની સખત ટીકા કરી હતી. એણે કહ્યું કે ભારત ખરા અર્થમાં આઝાદી મેળવી રહ્યું છે, કારણ કે અગાઉ આપણે ઈટાલીયન સરકારનાં ગુલામ હતાં.

દેખીતી રીતે જ કંગનાનો પ્રહાર કોંગ્રેસ અને સોનિયા ગાંધી પર હતો.

એણે ઈટાલીયન શબ્દનો ઉપયોગ કર્યો એનો ઈશારો દેખીતી રીતે જ સોનિયા ગાંધી તરફ હતો, કારણ કે સોનિયા ગાંધીનાં મૂળ ઈટાલીમાં રહેલાં છે. એમણે લગભગ બે દાયકા સુધી કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્ત્વ કર્યું હતું.

કંગના છેલ્લે ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મમાં જોવા મળી હતી.