કપૂર પરિવાર 70-વર્ષ જૂના RK સ્ટુડિયોને વેચી દેશે

મુંબઈ – સુપ્રસિદ્ધ બોલીવૂડ અભિનેતા રિશી કપૂરે કહ્યું છે કે અત્રે એમના પરિવારની માલિકીના આર.કે. સ્ટુડિયોમાં ગયા વર્ષે લાગેલી આગને પગલે સ્ટુડિયોને વેચી દેવાનો પરિવારે નિર્ણય લીધો છે.

પૂર્વ મુંબઈના ચેંબૂર ઉપનગરમાં આવેલો આ ફિલ્મ સ્ટુડિયો રિશી કપૂરના પિતા મહાન અભિનેતા રાજકપૂરે 1948માં સ્થાપ્યો હતો.

રિશી કપૂરે વધુમાં કહ્યું છે કે, ‘2017માં લાગેલી આગમાં સ્ટુડિયોને એટલું બધું નુકસાન થયું છે કે એના પુનઃઘડતરમાં પૈસા રોકવાથી પર્યાપ્ત આવક થઈ નહીં શકે. આગ લાગી હતી એ પહેલાં પણ વર્ષોથી આર.કે. સ્ટુડિયો અમારા માટે એક ધોળા હાથી સમાન બની ગયો હતો… ખોટ વધતી જ જતી હતી.’

આર.કે. સ્ટુડિયોમાં 2017ની 17 સપ્ટેંંબરે બપોરના સમયે ભીષણ આગ લાગી હતી.

આ ફિલ્મ સ્ટુડિયોમાંથી આર.કે. ફિલ્મ્સ બેનર હેઠળ બરસાત (1949), આવારા (1951), બૂટ પોલિશ (1954), શ્રી420 (1955), જાગતે રહો (1955), જિસ દેશ મેં ગંગા બહતી હૈ (1970), મેરા નામ જોકર (1970), બોબી, સત્યમ શિવમ સુંદરમ (1978), પ્રેમ રોગ (1982), રામ તેરી ગંગા મૈલી (1985) જેવી ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

કપૂર ખાનદાનનાં સભ્યો – સ્વ. રાજ કપૂરનાં પત્ની કૃષ્ણા રાજ કપૂર, પુત્રો રણધીર અને રિશી, પુત્રી રિતુ નંદા અને રીમા જૈને મળીને આર.કે. સ્ટુડિયોને વેચી દેવાનો નિર્ણય લીધો છે. પરિવાર આ માટે બિલ્ડર્સ, ડેવલપર્સ તથા કોર્પોરેટ કંપનીઓનાં સંપર્કમાં છે.

રિશીનું કહેવું છે કે ‘એક સમયે અમે આ સ્ટુડિયોને રીનોવેટ કરાવ્યો હતો, પરંતુ દર વખતે એ શક્ય બનતું નથી. સ્ટુડિયો વેચી દેવાની સ્થિતિ આવી પડી હોવાથી અમે સૌ દુઃખી છીએ. આગ લાગી એ પહેલાં પણ સ્ટુડિયોમાં કામ બહુ ઓછું રહેતું હતું. ફિલ્મો, ટીવી સિરિયલો અને જાહેરખબરના શૂટિંગ માટે જે ડિમાન્ડ આવતી હતી એ લોકો પાર્કિંગ સ્પેસ, એરકન્ડિશનિંગ અને ડિસ્કાઉન્ટની માગણી કરતા હતા.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]