‘હવે કોઈ પણ વિવાદમાં સપડાતો નહીં’: નિર્માતા સલમાને કપિલ શર્માને કહી દીધું

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન લોકપ્રિય ટીવી શો કપિલ શર્મા શોનો નિર્માતા છે. એણે શોનાં સંચાલક કોમેડિયન કપિલ શર્માને કડક સૂચના આપી છે કે એણે ભૂતકાળમાં સંડોવાયો હતો એમ હવે કોઈ પણ વિવાદમાં સપડાવું નહીં.

કપિલ શર્મા શો હાલ સરસ ચાલી રહ્યો છે અને કપિલ પણ ન્યૂઝમાં ખોટી રીતે ચમકી ન જવાય એનું બહુ જ ધ્યાન રાખે છે. કપિલને વિવાદોથી દૂર રાખવામાં સલમાન ખાનની મોટી ભૂમિકા રહી છે. સલમાનની સાથે કપિલ શર્મા અને દીપક ધર પણ આ શોનાં સહ-નિર્માતાઓ છે.

સલમાન ખાને કપિલને કહી દીધું છે કે એણે કોઈ પણ પ્રકારની ફાલતુગીરી કે બેવકૂફી કરવી નહીં, જે તે ભૂતકાળમાં કરી ચૂક્યો હતો. કપિલને પણ સલમાન જેવા નિર્માતાને ગુમાવવાનું પાલવશે નહીં, એમ આ શો જેની પર પ્રસારિત કરાય છે તે સોની ટીવીની નિકટના એક સૂત્રએ જણાવ્યું છે.

શું સુનીલ ગ્રોવર ફરી પાછો કપિલ શર્મા શોમાં આવશે ખરો? એવા સવાલના જવાબમાં સૂત્રએ કહ્યું ના, કોઈ ચાન્સ નથી.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કપિલ અને સુનીલને મોટો ઝઘડો થયો હતો અને એને કારણે સુનીલે કપિલ શર્મા શો છોડી દીધો હતો. એ વખતે સુનીલનું પાત્ર ડો. મશૂર ગુલાટી અને રિંકુ ભાભી ઘણા લોકપ્રિય થયા હતા. એના ચાલ્યા જવાથી શોની લોકપ્રિયતા જરૂર ઘટી ગઈ છે.

સુનીલ સાથે ઝઘડો થવા ઉપરાંત કપિલે અમુક વિવાદાસ્પદ ટ્વીટ્સને કારણે પણ સમાચારોમાં ચમક્યો હતો. એક પત્રકારને ફોન પર ગાળો દેવા અને ગંદી ભાષાનો ઉપયોગ કરવા બદલ એની ટીકા થઈ હતી.

જોકે હવે કપિલ એના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. વળી એ એની પત્ની ગિની સાથે પણ લગ્નજીવનનો આનંદ માણી રહ્યો છે. બંને જણ ટૂંક સમયમાં જ માતાપિતા બનવાના છે.

હાલ કપિલ શર્મા શોમાં કપિલ, કૃષ્ણા અભિષેક અને કિકુ શારદા સ્ટાર પરફોર્મર્સ છે. ઘણી ફિલ્મી હસ્તીઓ એમની ફિલ્મોને પ્રમોટ કરવા માટે આ શોમાં હાજરી આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]