લોકોએ ભારત પ્રત્યેનો અણગમો છોડી દેવો જોઈએઃ કંગના

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે જાહેરમાં કહી દીધું છે કે પોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચાહક છે.

કંગનાએ બીજું એ પણ કહ્યું છે કે યુવા ભારતીય લોકોએ દેશની સામાજિક તથા આર્થિક સમસ્યાઓ વિશે ફરિયાદો કરવાનું છોડી દેવું જોઈએ અને દેશ પ્રત્યેનો અણગમો છોડી દેવો જોઈએ.

કંગનાએ એક જાહેર કાર્યક્રમમાં પોતાનાં સંબોધનમાં કહ્યું હતું.

એણે કહ્યું હતું કે, એક યુવતી તરીકે મારું માનવું છે કે તમારે સફળ થવા માટે તમારા કોઈક યોગ્ય આદર્શ વ્યક્તિ હોવા જોઈએ. હું પીએમ મોદીની ચાહક છું. હું બહુ છાપાં વાંચતી નથી, પણ મોદી એક સક્સેસ સ્ટોરી છે. એક સામાન્ય માનવીની મહત્વાકાંક્ષા અને એક ચાવાળા આજે આપણા દેશના વડા પ્રધાન છે. આ એમની જીત નથી, પણ મારા દેશની લોકશાહીની જીત છે. હું તો પીએમ મોદીની મોટી ચાહક છું અને એ યોગ્ય રોલ મોડલ (આદર્શ) છે.

પોતાનાં અંગત જીવન વિશે કંગનાએ કહ્યું કે, મેં હંમેશાં દિલથી પ્યાર કર્યો હતો, પણ દર વખતે મને બદલામાં દગો મળ્યો. રિલેશનશિપમાં દરેક વખતે મને ડમ્પ કરવામાં આવી.

અભિનેતા ઋતિક રોશન સાથે પોતાના થયેલા વિવાદ વિશે પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યું કે પોતે એ બધી વાતોને ભૂલી ચૂકી છે અને લોકો મારા વિશે શું કહે છે એની મને કોઈ પરવા નથી.

કંગનાએ વધુમાં કહ્યું કે મને રાજકારણમાં જવામાં કોઈ વાંધો નથી, પણ મને નેતાઓની ફેશનસેન્સ ગમતી નથી. જો મને ગ્લેમરની સાથે રાજકારણમાં લોકો સ્વીકારી શકતા હોય તો હું રાજકારણમાં જઈશ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]