કમલ હાસન, સલમાન ખાન પહેલી જ વાર સ્ક્રીન પર સાથે આવશે

મુંબઈ – બે સુપરસ્ટાર – કમલ હાસન અને સલમાન ખાન રિયાલિટી ટેલિવિઝન શો ‘દસ કા દમ’ પર પહેલી જ વાર સ્ક્રીન પર સાથે જોવા મળશે.

કમલ હાસન એ શો પર પોતાની આગામી ફિલ્મ ‘વિશ્વરૂપમ 2’ને પ્રમોટ કરશે. આ ફિલ્મની હિન્દી આવૃત્તિને રોહિત શેટ્ટી અને અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ એન્ટરટેનમેન્ટ સલમાન ખાન દ્વારા સંચાલિત ‘દસ કા દમ’ શોમાં રજૂ કરવાના છે.

‘દસ કા દમ’ની હિન્દી આવૃત્તિને સલમાન હોસ્ટ કરી રહ્યો છે જ્યારે તામિલ આવૃત્તિને કમલ હોસ્ટ કરી રહ્યા છે.

2013માં, જ્યારે ‘વિશ્વરૂપમ’ રિલીઝ થઈ રહી હતી ત્યારે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા વિશે આખા ભારતમાં વિવાદ ચગ્યો હતો. એ વખતે સલમાન ખાન કમલ હાસનની પડખે રહ્યો હતો અને આ ફિલ્મ જોવાની પોતાના ચાહકોને અપીલ કરી હતી. ત્યારબાદ ‘વિશ્વરૂપમ’ પર કોઈ પ્રતિબંધ ન મૂકાયા બાદ સલમાને કમલ દ્વારા આયોજિત ફિલ્મના ખાસ શોમાં હાજરી પણ આપી હતી.

હવે ‘દબંગ’ સ્ટાર સલમાન ફરીવાર કમલની નવી ફિલ્મના ટેકામાં આગળ આવ્યો છે.

‘વિશ્વરૂપમ 2’નું ટ્રેલર જૂન મહિનામાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની પટકથા કમલ હાસને પોતે લખી છે, તેમજ દિગ્દર્શન અને નિર્માણ પણ એમણે જ કર્યું છે. ફિલ્મમાં કમલ હાસન ઉપરાંત પૂજા કુમાર, એન્ડ્રીયા જેરેમીયા, શેખર કપૂર, રાહુલ બોઝ, જયદીપ અહલાવત અને વહીદા રેહમાનની પણ ભૂમિકા છે.

‘વિશ્વરૂપમ 2’ 10 ઓગસ્ટે રિલીઝ થવાની છે. એ તામિલ અને હિન્દીમાં તૈયાર કરવામાં આવી છે અને તેલુગુમાં ડબ કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]