સલમાનની ‘કિક 2’માં જેક્લીનની જગ્યાએ દીપિકા પદુકોણ?

મુંબઈ – સલમાન ખાન ‘કિક 2’ ફિલ્મ બનાવવાનો છે અને એમાં એની હિરોઈન તરીકે દીપિકા પદુકોણને પસંદ કરી હોવાના અહેવાલો છે. જો ખરેખર એમ હશે તો સલમાન અને દીપિકા પહેલી જ વાર મોટા પડદા પર સાથે જોવા મળશે.

‘કિક 2’ ફિલ્મમાં સલમાન સાથે જેક્લીન ફર્નાન્ડિસને પસંદ કરવામાં આવી હતી, પણ હવે એને પડતી મૂકીને દીપિકાને પસંદ કરવામાં આવી હોવાનો ‘બોલીવૂડ હંગામા’નો અહેવાલ છે.

નિર્માતા સાજિદ નડિયાદવાલાની નિકટના એક સૂત્રના જણાવ્યા મુજબ, ‘કિક’ ફિલ્મમાં દીપિકા જ પહેલી પસંદગી હતી, પણ કોઈક કારણસર એ વાત આગળ વધી શકી નહોતી. જે રોલ જેક્લીનનાં હાથમાં ગયો અને ‘કિક’ ફિલ્મે એની કારકિર્દીને મોટો વળાંક આપ્યો.

‘કિક 2’માં દીપિકાનો રોલ શું હશે? એવા સવાલના જવાબમાં જાણકાર સૂત્રનું કહેવું છે કે દીપિકા એવી અભિનેત્રી છે જે માત્ર સલમાનની કોઈ બીબાંઢાળ હિરોઈન તરીકે કામ નહીં કરે. એનો રોલ સલમાનનાં રોલ જેટલો જ સશક્ત રાખવો પડશે. સાજિદ નડિયાદવાલા એ માટે કામ કરી રહ્યા છે.

‘રેસ 3’માં જેક્લીને સલમાનની હિરોઈન તરીકે કામ કર્યું હતું એટલે ‘કિક 2’નાં નિર્માતાઓ પણ એમની આ ફિલ્મમાં એને જ સલમાન સાથે ફરી ચમકાવવા માગતા હતા, પણ હવે એમનો વિચાર બદલાયો છે.

કહેવાય છે કે, દીપિકાને એની કારકિર્દીની પહેલી ફિલ્મની ઓફર સલમાને કરી હતી, પણ દીપિકાએ તે નકારી કાઢી હતી. એના અમુક વર્ષ બાદ, 2007માં દીપિકા ‘ઓમ શાંતિ ઓમ’માં ચમકી હતી. ફરાહ ખાન દિગ્દર્શિત અને શાહરૂખ ખાન અભિનીત એ પહેલી જ ફિલ્મે દીપિકાને સ્ટાર બનાવી દીધી હતી.

દીપિકાએ એક વાર પીટીઆઈ સમાચાર સંસ્થાને કહ્યું હતું કે, ‘સલમાને મને મારી પહેલી ફિલ્મ માટે ઓફર કરી હતી, પણ ત્યારે હું બહુ યુવા હતી અને કેમેરાનો સામનો કરવા તૈયાર નહોતી. પણ હું એની કાયમ આભારી રહીશ. અમે બેઉ જણ સ્ક્રીન પર સાથે ચમક્યાં નથી એને ઘણો લાંબો સમય થઈ ગયો છે, તેથી આશા રાખું છું કે અમને એવી કોઈક વિશેષ તક મળશે.’

સલમાન ખાન સામાન્ય રીતે એની ફિલ્મ ઈદના તહેવાર વખતે જ રિલીઝ કરતો હોય છે, પણ ‘કિક 2’ ફિલ્મ આ વર્ષે નાતાલ પર્વમાં રિલીઝ થશે એવી ધારણા છે. જોકે આ વર્ષે ઈદના તહેવારમાં એની ‘ભારત’ ફિલ્મ બુક થઈ ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]