હૃતિક રોશન સામે હૈદરાબાદ પોલીસે ચીટિંગનો કેસ નોંધ્યો

મુંબઈ – બોલીવૂડ અભિનેતા હૃતિક રોશન, કે જેને એક ફિટનેસ ચેન કંપની દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે તે એક ચીટિંગના કેસમાં ફસાયો છે. હૈદરાબાદ પોલીસે એની સામે છેતરપીંડીના કેસમાં ફરિયાદ નોંધી છે.

હૃતિક ફિટનેસપ્રેમી તરીકે જાણીતો છે. તે કલ્ટ ડોટ ફિટ હેલ્થકેરનો બ્રાન્ડ એમ્બેસેડર છે.

કેસ છે હૈદરાબાદના એક જિમ્નેશિયમ યુઝરનો.

આઈ. શશીકાંત નામના તે તે જિમ યુઝરે હૈદરાબાદ પોલીસમાં કંપની સામે એવી ફરિયાદ નોંધી છે કે વજન ઘટાડી દેવાની કંપની જે ખાતરી આપે છે એ પ્રમાણે તે કામ કરતી નથી. શશીકાંતે ગઈ 22 જૂને હૈદરાબાદ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે Cult.Fit Healthcare કંપનીમાં જોડાયા હતા અને એની તમામ પ્રકારની જિમ સેવાઓ માટે રૂ. 17,490 ચૂકવ્યા હતા.

ડેક્કન ક્રોનિકલને શશીકાંતે એમ પણ જણાવ્યું કે Cult.Fit Healthcare કંપનીમાં કુલ 1,800 જણ જોડાયા હતા અને વર્કઆઉટ સત્રો વખતે કંપની પાસે પર્યાપ્ત સંખ્યામાં કાર્પેટ એરિયા પણ નહોતો. તે ઉપરાંત, વર્કઆઉટ સત્રો એક સાથે ત્રણ દિવસ રખાયા નહોતા, જેને કારણે અમને યુઝર્સને સારા આરોગ્યના લાભ મળી શક્યા નહોતા. વધુમાં, સેન્ટર ખાતેના કર્મચારીઓના ખરાબ વર્તનને કારણે માનસિક ડીપ્રેશન આવી ગયું છે.

પોલીસનું કહેવું છે કે, ફરિયાદી શશીકાંતે કહ્યું છે કે કંપનીએ એની જાહેરખબરોમાં જે વચનો આપ્યા હતા એ મુજબ એણે યોગ્ય રીતે ટ્રેનિંગ આપી નહોતી. શશીકાંતે ફરિયાદ કરી છે કે કંપનીના ડાયરેક્ટરો અને કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હૃતિક રોશને પોતાની સાથે છેતરપીંડી કરી છે. પરિણામે હૃતિક તથા કંપનીના 3 ડાયરેક્ટર – મુકેશ બંસલ, અંકિત નાગોરી અને શન્મુગવેલ મણી સુબૈયા સામે ભારતીય ફોજદારી ધારા (આઈપીસી)ની કલમ 406 અને 420 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં પોલીસ તપાસ ચાલુ છે.

દરમિયાન, Cult.Fit Healthcare કંપનીએ તેની સામેના આરોપોને નકારી કાઢ્યા છે.

હૃતિક હાલ એની આગામી હિન્દી ફિલ્મ ‘સુપર 30’ની રિલીઝ કામમાં અને પ્રમોશન કાર્યક્રમોમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતી 12 જુલાઈએ રિલીઝ થવાની છે.