હાર્દિક પટેલ પાટીદાર આંદોલન વિશેની હિન્દી ફિલ્મ સુરતમાં રિલીઝ કરશે

સુરત – યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ એમના પર તેમજ ગુજરાતમાં શરૂ કરાયેલા પાટીદાર આંદોલનને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘હમેં હક ચાહિયે, હક સે’ને આવતીકાલે અહીં લોન્ચ કરવામાં આવશે.

હાર્દિક પટેલ જેમના કન્વીનર છે એ પાટીદાર અનામત આંદોલન સમિતિનું કહેવું છે કે પટેલ સુરતના વરાછા વિસ્તારની નવજીવન રેસ્ટોરન્ટમાં આ ફિલ્મનો શુભારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, પટેલ એમની સામેના રાજદ્રોહના કેસના સંબંધમાં કોર્ટમાં હાજરી આપવા માટે અહીં આવ્યા છે.

પટેલ સમુદાય માટે અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી) કેટેગરી હેઠળ સરકારી નોકરીઓમાં બેઠકો અનામત રાખવા માટે શરૂ કરવામાં આવેલા પાટીદાર આંદોલને ખાસ કરીને ગુજરાતી ફિલ્મનિર્માતાઓમાં ભારે રસ જગાવ્યો છે.

આ વિષય પર અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મ આવી ચૂકી છે – ગુજરાતીમાં બે ફિલ્મ ‘પાવર ઓફ પાટીદાર’ અને ‘સળગતો સવાલઃ અનામત’ તથા હિન્દીમાં ‘હમેં હક ચાહિયે, હક સે’, જે આવતીકાલે રિલીઝ કરાશે.

હિન્દી ફિલ્મનું દિગ્દર્શન રાકેશ જગ્ગીએ કર્યું છે. જગ્ગીએ લોકપ્રિય બનેલી ટીવી સિરિયલો ‘કહાની ઘર ઘર કી’ અને ‘સાસ ભી કભી બહુ થી’ બનાવી છે. હિન્દી ફિલ્મમાં અંકિત ભારદ્વાજ, કુલભૂષણ ખરબંદા અને સુદેશ બેરી જેવા જાણીતા ફિલ્મ અને ટીવી કલાકારોએ ભૂમિકા ભજવી છે.

ફિલ્મના રિલીઝ પ્રસંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો – અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા, ફિલ્મના દિગ્દર્શક તથા કલાકારો હાજર રહેશે.

આ ફિલ્મ રિલીઝ થવાના સમાચારે સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં વસતા પટેલ સમુદાયના લોકોમાં ભારે ઉત્કંઠા જગાવી છે.

રાજકારણમાં જોડાવાનો કોઈ વિચાર નથીઃ હાર્દિક પટેલ

અહીં આજે યોજાઈ ગયેલી પત્રકાર પરિષદમાં હાર્દિકે કહ્યું હતું કે હું આવતા અઢી વર્ષ સુધી કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી, કારણ કે હું લોકોનાં પ્રતિનિધિ તરીકે કામ કરવા ઈચ્છું છું. હું અનેક વાર કહી ચૂક્યો છું કે રાજકારણમાં પ્રવેશવાનો મારો કોઈ વિચાર નથી. હું માત્ર લોકો વિશે ચર્ચા કરવા, એમના પ્રતિનિધિ તરીકે અને એમને માટે સેવા બજાવવા ઈચ્છું છું.

હાર્દિકે હાર્દિકે વધુમાં કહ્યું કે, અમારા મુદ્દાઓ સ્પષ્ટ છે અને અમારો સંઘર્ષ સમાજના લાભ માટેનો તથા ગુજરાતના ભવિષ્ય માટેનો બંધારણીય સંઘર્ષ છે.

કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીની સુરત મુલાકાત અંગે કમેન્ટ કરતાં હાર્દિકે કહ્યું કે, એ તો યોગાનુયોગ કહેવાય કે રાહુલ ગાંધીજી કોંગ્રેસની એક રેલી માટે અહીં આવી રહ્યા છે અને હું અમુક કાર્યક્રમો માટે અહીંયા આવ્યો છું.

અનામત માટેની માગણીઓ વિશે હાર્દિકે કહ્યું કે અનામત અમારી મુખ્ય માગણી છે અને એ વિશે અમારી ચર્ચા હજી પણ ચાલુ જ છે. ૬-૭ નવેંબર સુધીમાં આ વિશે ઘણું સ્પષ્ટ થઈ જશે.

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ૯ અને ૧૪ ડિસેંબર, એમ બે તબક્કામાં મતદાન થશે અને મતગણતરી-પરિણામ માટે ૧૮ ડિસેંબરનો દિવસ નક્કી કરાયો છે.