‘મહારાષ્ટ્ર બંધ’થી નારાજ થઈ બોલીવૂડ હસ્તીઓએ

મુંબઈ – પુણેના કોરેગાંવ-ભીમા ગામમાં દલિતો અને સવર્ણ લોકો વચ્ચે થયેલી હિંસાને કારણે રોષે ભરાયેલા દલિત કે બહુજન લોકોએ મહારાષ્ટ્ર બંધ પળાવીને ફિલ્મી નગરી મુંબઈ સહિત રાજ્યના અનેક ભાગોમાં જનજીવનને ઠપ કરાવી દીધું છે.

મુંબઈમાં દુકાનદારો, હોટેલમાલિકોએ આંદોલનકારીઓને તાબે થઈને પોતપોતાની દુકાનો-રેસ્ટોરન્ટ્સના શટર પાડી દીધા હતા તો શહેરના નાગરિકોએ પણ કામ-ધંધે જવાનું ટાળીને ઘેર જ રહેવાનું પસંદ કર્યું છે.

પરંતુ, બોલીવૂડની કેટલીક હસ્તીઓએ આ બંધ સામે નારાજગી વ્યક્ત કરી છે. અક્ષરા હાસન, રાહુલ ધોળકીયા, વિશાલ દદલાની, ફરાહ અલી ખાન જેવી હસ્તીઓએ બંધને વખોડી કાઢ્યો છે.

ફિલ્મી હસ્તીઓએ ટ્વીટ કરીને બંધ વિશે આપેલા પ્રત્યાઘાત નીચે મુજબ છેઃ

નિર્માતા અશોક પંડિતઃ ફિલ્મસિટી, મઢ તથા મુંબઈના અન્ય ભાગોમાં ફિલ્મ તથા ટીવી સિરિયલોના શૂટિંગ અટકી ગયા છે. યુનિટના સભ્યો હિંસાના ડરને લીધે સેટ પર પહોંચી શક્યા નથી. દુખદ કહેવાય.

રાહુલ ધોળકીયાઃ જાતિવાદ આધારિત રાજકારણ, હિન્દુ-મુસ્લિમ રાજકારણ અને વર્ગઆધારિત રાજકારણ… આ બધું આખરે ભારતનો વિનાશ કરશે. બળપૂર્વક શાસન કરવું જોખમી છે. સિનેમા કોઈને મારતું નથી, રાજકારણ મારે છે.

અનુભવ સિંહાઃ યુવા લોકોને કેવી રીતે સમજાવવા એની મને સમજ નથી પડતી. હું શું કહું કે એ લોકો સમજી જાય.

પુલકિત સમ્રાટઃ અને હવે ફાટી નીકળી છે કે જાતિવાદ પર લડાઈ. આનો કોઈક ઉકેલ લાવવો જોઈએ. મહારાષ્ટ્ર બંધ (નિઃસાસો નાખે છે)

વિશાલ દદલાનીઃ જાતિ અને ધર્મઆધારિત રાજકારણ વખોડવાને પાત્ર છે. લોકોમાં કરાતું આ સૌથી વધારે રાષ્ટ્રવિરોધી વિભાજન છે. હું તો ઈચ્છું છું કે આ બધી મૂર્ખતાભરી અને જૂનીપુરાણી રીત વડે માનવજાતમાં ભાગલા પાડનારાઓને હાડમારી ભોગવવી પડે.

ફરાહ અલી ખાનઃ નવા વર્ષનો આરંભ પુણે અને હવે મુંબઈમાં રમખાણોથી થયો. લોકો શા માટે ઝઘડા કરે છે, શા માટે સૌ સાથે મળીને ઉજવણી કરી ન શકે? કોઈ જાતિ બીજી જાતિથી ઊંચી કેવી રીતે હોઈ શકે? આપણે સૌ સમાન કેમ હોઈ ન શકીએ?

અક્ષરા હાસનઃ પૂર્વ તેમજ ઈશાન ભાગના મુંબઈવાસીઓ પ્લીઝ તમે આજે ઘરમાં જ રહેજો. સુરક્ષિત, સ્માર્ટ રહેજો અને સંભાળજો. ચેંબૂર નાકા, દાદર, કુર્લા તથા બીજા ઘણા અસરગ્રસ્ત સ્ટેશનો તરફ જશો નહીં. મુલુંડ બંધ છે.