સ્મૃતિ ઈરાની 14 કિ.મી. ઉઘાડા પગે ચાલીને પહોંચ્યાં સિદ્ધિ વિનાયક મંદિર

મુંબઈ – નરેન્દ્ર મોદીની ગત્ સરકારમાં પ્રધાન રહેનાર અને આ વખતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને એમના ગઢસમાન અમેઠી મતવિસ્તારમાં હરાવીને સંસદસભ્ય બનેલાં સ્મૃતિ ઈરાની ગયા સોમવારે રાતે 14 કિ.મી. જેટલું લાંબું અંતર પગે ચાલીને અત્રે દાદર સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગયાં હતાં અને ત્યાં ગણપતિજીનાં દર્શન કર્યાં હતાં.

સ્મૃતિ ઈરાનીએ ઉઘાડાં પગે ચાલીને સિદ્ધિ વિનાયક મંદિરે જવાનો નિશ્ચય કર્યો હતો અને એમણે તેનું પાલન કર્યું હતું.

એમની સાથે આ યાત્રામાં ટેલિવિઝન અને ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર અને એમનો ચાર-મહિનાનો પુત્ર રવિ પણ સામેલ હતાં.

એક્તા કપૂરની નવી ફિલ્મ આવી રહી છે ‘મેન્ટલ હૈ ક્યા’.

એકતા કપૂરે સોશિયલ મિડિયા પર લખ્યું હતું કે, ‘તો અમે પગપાળા સિદ્ધિ વિનાયક મંદિરે જઈ રહ્યાં છીએ અને એ (સ્મૃતિ) તો ઉઘાડા પગે ચાલી રહ્યાં છે. મને માનવામાં નથી આવતું સ્મૃતિ, ઉઘાડા પગે 14 કિ.મી. ચાલવાનું. ઈશ્વરે ઈચ્છા કરી છે, ઠીક છે ચાલો જઈએ.’

ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ઈરાની ભૂતકાળમાં ટીવી સિરિયલ અભિનેત્રી હતાં અને 2000ના દાયકામાં એક્તા કપૂરના બાલાજી ટેલીફિલ્મ્સના બેનર હેઠળની ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલમાં સ્મૃતિ ‘તુલસી વિરાની’નાં પાત્ર તરીકે પ્રસિદ્ધ થયાં હતાં.

આમ, સ્મૃતિ અને એક્તાની મૈત્રી છેક એ સમય જેટલી જૂની છે. આમ, એકતાનાં પુત્ર માટે સ્મૃતિ માસી બન્યાં છે.

એકતાએ સ્મૃતિ સાથેની એક તસવીર એમના સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે, જેમાં બંનેનાં ચહેરાં પરની ચમક જોઈ શકાય છે. એકતાએ ફોટામાં ઈમોજી સાથેની કેપ્શનમાં લખ્યું છે, ‘સિદ્ધિ વિનાયક સુધી 14 કિ.મી. ચાલ્યા પછીની છે ચહેરા પર આ ચમક.’

તો સ્મૃતિએ જવાબમાં કમેન્ટ લખી છેઃ ‘ઈશ્વરે ઈચ્છા કરી, ઈશ્વર બહુ દયાળુ છે.’

httpss://www.instagram.com/p/Bx_t8IWA7Ek/