શ્રીદેવીની પુત્રી જ્હાન્વીને ચમકાવતી ‘ધડક’ના 3 પોસ્ટર રિલીઝ કરાયા

મુંબઈ – પીઢ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરને બોલીવૂડમાં પ્રવેશ કરાવનાર હિન્દી ફિલ્મ ‘ધડક’ના ત્રણ પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યા છે.

ધર્મા પ્રોડક્શન્સ અને ઝી સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત થનાર ‘ધડક’માં જ્હાન્વીનો હીરો છે ઈશાન ખટ્ટર, જે અભિનેતા શાહિદ કપૂરનો ભાઈ છે. ઈશાનના માતા-પિતા છે – નીલિમા અઝીમ અને રાજેશ ખટ્ટર.

આ ફિલ્મ આવતા વર્ષે ૬ જુલાઈએ રિલીઝ કરાય એવી ધારણા છે.

‘ધડક’ ફિલ્મ સુપરહિટ થયેલી મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી આવૃત્તિ છે.

પોસ્ટરમાં જ્હાન્વી કપૂર ઘણી બધી એની મમ્મી શ્રીદેવી જેવી દેખાય છે.

ઈશાને આ ફિલ્મના પોસ્ટરોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિલીઝ કર્યા છે જ્યારે કરણ જોહરની માલિકીની ધર્મા પ્રોડક્શન્સ કંપનીએ પોતાના હેન્ડલ પર આ તસવીરો પોસ્ટ કરી છે.

આ પોસ્ટરો રિલીઝ થયા બાદ જ્હાન્વીએ સૌથી રસપ્રદ પ્રત્યાઘાત દર્શાવ્યાં છે. એણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મના પોસ્ટર નીચેની કેપ્શનમાં લખ્યું છે, ‘ઓ માય ગોડ, દોસ્તો હું તો ફિલ્મમાં ચમકી ગઈ..!!! #ધડ઼ક #Dhadak’

ઉલ્લેખનીય છે કે, મરાઠી ‘સૈરાટ’ ફિલ્મનું નિર્માણ પણ કરણ જોહરે કર્યું હતું. ફિલ્મની વાર્તા બે કોલેજ વિદ્યાર્થીની છે જેઓ એકબીજાંનાં પ્રેમમાં પડે છે, પરંતુ એમનો જાતિભેદ એમના પ્રેમની આડે આવે છે.

કરણ જોહરે કહ્યું છે કે ‘ધડક’ મરાઠી ફિલ્મ સૈરાટની આધુનિક આવૃત્તિ હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]