દીપિકા જ્યારે સ્પર્ધકોએ પોતાને આપેલી ટ્રિબ્યુટ જોઈને રડી પડી

મુંબઈ – ‘ડાન્સ પ્લસ 5’ ટીવી ડાન્સ રિયાલિટી શોમાં નૃત્ય સ્પર્ધકોએ દીપિકા પદુકોણનાં ફિલ્મી ગીતોની સ્ટેજ પર પ્રસ્તુતિ કરી. એ જોઈને દીપિકા ખૂબ ભાવુક થઈ ગઈ અને રડી પડી.

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ હાલ એની આગામી ફિલ્મ ‘છપાક’નાં પ્રચાર માટે વ્યસ્ત છે. એમાં તે એસિડ હુમલાનો ભોગ બનેલી છોકરી માલતીનો રોલ કરી રહી છે. આ ફિલ્મ લક્ષ્મી અગ્રવાલ નામની છોકરી પર કરાયેલા એસિડ હુમલાની સત્યઘટના પર આધારિત છે.

33 વર્ષીય દીપિકા છપાકનાં પ્રચાર માટે ગુરુવારે મુંબઈમાં ડાન્સ પ્લસ 5 ટીવી રિયાલિટી શોનાં સેટ પર ગઈ હતી. આ શો જાણીતા કોરિયોગ્રાફર રેમો ડીસોઝા દ્વારા સંચાલિત છે.

શોનાં એક એપિસોડમાં સ્પર્ધક નૃત્યકારોએ દીપિકાની અમુક સુપરહિટ ફિલ્મોનાં ગીતોની ઝલકને સ્ટેજ પર રજૂ કરી હતી અને એ રીતે દીપિકાને આવકાર આપ્યો હતો. દીપિકા એ જોઈને એકદમ ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી.

પરફોર્મન્સ જોઈને દીપિકા એની સીટ પરથી ઊભી થઈ હતી અને રડી પડી હતી. કોરિયોગ્રાફરે એને ભેટીને શાંત પાડી હતી.

દીપિકાએ કહ્યું કે, ‘હું ઘણા શોમાં હાજરી આપી ચૂકી છું, પણ આજે હું જે મેહસૂસ કરી રહી છું એનું શબ્દોમાં વર્ણન કરી શકતી નથી. બસ, દિલથી કહું છું થેંક્યૂ સો મચ.’

ઉલ્લેખનીય છે કે દીપિકા ‘છપાક’નાં ટ્રેલર અને પોસ્ટરોનાં રિલીઝ પ્રસંગે પણ રડી પડી હતી અને ત્યારે ફિલ્મનાં નિર્દેશિકા મેઘના ગુલઝારે એને શાંત પાડી હતી.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]