‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મની રિલીઝના મામલે હસ્તક્ષેપ કરવાની મુંબઈ હાઈકોર્ટે ના પાડી

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત અને વિવેક ઓબેરોય અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ની રિલીઝના મામલામાં હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે આજે ઈનકાર કરી દીધો છે.

મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ એન.એમ. જામદારની બેન્ચે એવી નોંધ લીધી હતી કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને આચારસંહિતાના ઉલ્લંઘનનાં આક્ષેપો અંગે ચૂંટણી પંચે ઉક્ત હિન્દી ફિલ્મના નિર્માતાઓને નોટિસ આપી જ દીધી છે. તેથી ચૂંટણી પંચ જ એ મામલે નિર્ણય લેશે.

આમ કહીને ન્યાયાધીશોની બેન્ચે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઈ)ના રાષ્ટ્રીય પ્રમુખ સતિષ ગાયકવાડે નોંધાવેલી જનહિતની અરજીને કાઢી નાખી હતી. ગાયકવાડે એવી દલીલ કરી હતી કે આ ફિલ્મને જો જાહેરમાં પ્રદર્શિત કરવા દેવામાં આવશે તો એ ચૂંટણી પંચે લાદેલી આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન સમાન ગણાશે.

ફિલ્મને રિલીઝ કરવાના સમય વિશે અરજદારે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જો આ ફિલ્મને ચૂંટણીના ટાણે રિલીઝ કરવામાં આવશે તો એનાથી વડા પ્રધાનને ચૂંટણીમાં ફાયદો થશે.

આ ફિલ્મ પાંચ એપ્રિલે રિલીઝ થવાની છે.

ચૂંટણી પંચે કોર્ટને કહ્યું છે કે એણે નિર્માતાઓ પાસેથી જવાબ મગાવ્યો છે.

એવી જ રીતે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સેન્સર બોર્ડ)એ પણ કોર્ટને કહ્યું કે એણે 20 માર્ચે ફિલ્મના ટ્રેલર માટે જરૂરી સર્ટિફિકેટ્સ મંજૂર કરી દીધા હતા. હવે આવતા બુધવારે ફિલ્મનો અભ્યાસ કરવામાં આવશે અને ફિલ્મ બધી રીતે નિયમો અનુસાર બનાવવામાં આવી છે એવું જણાશે તો એને રિલીઝ માટે મંજૂરી આપવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]