ઢીંકા ચીકા… મીકા સિંહના ઘરમાં થઈ રોકડ-ઝવેરાતની ચોરી

મુંબઈ – બોલિવૂડ પાર્શ્વગાયક મીકા સિંહના અત્રેના ઘરમાં રોકડ રકમ તેમજ જ્વેલરી મળીને એકંદરે 3 લાખ રૂપિયાની ચોરી થઈ છે.

મંગળવારે ઓશિવરા (અંધેરી) પોલીસના જણાવ્યા પ્રમાણે, જાણીતા બોલીવૂડ પાર્શ્વગાયક મીકા સિંહના અંધેરી, ઓશિવરા સ્થિત નિવાસસ્થાને રોકડ રકમ તેમ જ જ્વેલરી મળીને એકંદરે 3 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મીકા સિંહના મેનેજરે મીકા સિંહ વતી આ ફરિયાદ લખાવી છે. તે અનુસાર રૂપિયા 1,00,000 રોકડા અને રૂપિયા 2,00,000ની કિંમતના ઝવેરાતની ગયા સોમવારે બપોરે મીકા સિંહના ઘરમાંથી ચોરી થઈ હતી.

આ કિસ્સામાં હજુ સુધી કોઈ પકડાયું નથી. પરંતુ, પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફુટેજમાં ગાયકનો એક કર્મચારી બિલ્ડીંગમાંથી બહાર નીકળતો જોઈ શકાય છે. જે આ કેસમાં શંકાસ્પદ છે.

ઓશિવરા પોલીસ સ્ટેશનના વડા એસ.પસલવારે કહ્યું કે, આ શંકાસ્પદ વ્યક્તિ દિલ્હીમાં રહે છે. એની શોધ માટેનાં અમારાં તમામ પ્રયત્નો ચાલુ છે. પરંતુ ગાયક મીકા સિંહે પોતે આ બાબતમાં હજી સુધી કોઈ ટિપ્પણી નથી કરી.