મુંબઈમાં મેઘતાંડવનો પરચો બોલીવૂડ હસ્તીઓને પણ મળ્યો

મુંબઈ – અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના એક પારિવારિક વેકેશન પર જવા હજી તો નીકળ્યાં હતાં. રણદીપ હુડા પહેલી જ વાર ભારતની મુલાકાતે આવનાર એનાં કાકાની સાથે મુંબઈ આવી રહ્યો હતો. કૃતિ સેનન કામકાજને લગતા એક પ્રવાસ બાદ દિલ્હીથી મુંબઈ પાછી ફરી રહી હતી, પરંતુ અનરાધાર વરસાદે આ તમામની મજા બગાડી નાખી.

ગયા શુક્રવારથી મુંબઈમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક ફિલ્મી હસ્તીઓને જુદી જુદી રીતે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કોઈક ટ્રાફિક જામમાં ફસાયું તો કોઈક ફ્લાઈટનો રૂટ બદલાતાં હેરાન થયું.

જોકે તમામ બોલીવૂડ કલાકારોએ ફિલ્મીનગરી મુંબઈમાં દરેક જણ માટે સલામતીની પ્રાર્થના કરી છે.

અભિનેત્રી સોનમ આહુજાએ ટ્વિટર પર સવાલ મૂક્યો હતો કે, શું મુંબઈ એરપોર્ટ ખુલ્લું છે? એને જવાબ આપનારાઓમાં સહ-અભિનેત્રી રકુલપ્રીત સિંહનો પણ સમાવેશ થાય છે. રકુલે ટ્વીટ કરીને સોનમને જણાવ્યું હતું કે, ગઈ કાલ રાતથી એકેય ફ્લાઈટ ઉપડી નથી… હું પોતે એરપોર્ટ પર ફસાઈ ગઈ છું.

વરસાદને કારણે મુસીબતનો સામનો કરનાર અન્ય અભિનેત્રી છે કૃતિ સેનન.

કૃતિ એક શૂટિંગ માટે દિલ્હી ગઈ હતી અને ત્યાંથી પાછી ફરી હતી.

કૃતિને સોમવારે રાતે જ મુંબઈ પાછાં ફરવાનું હતું, પણ એની ફ્લાઈટ રદ થઈ હતી અને અમદાવાદમાં વાળી દેવાઈ હતી. ત્યાં એને પોતાની ફ્લાઈટ માટે ચાર કલાક સુધી રાહ જોવી પડી હતી.

કૃતિ સેનનઃ મુંબઈને બદલે વિમાન અમદાવાદ તરફ વાળી દેવામાં આવ્યું

વરસાદની તકલીફનો અનુભવ અક્ષય, ટ્વિન્કલ અને એમની પુત્રી નિતારાને પણ થયો હતો.

ટ્વિન્કલે પોતાની વ્યંગાત્મક સ્ટાઈલમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે ગઈ કાલે રાતે કેપ્ટન કોઈ વિમાનને બદલે જહાજને ચલાવતા હોય એવું લાગ્યું હતું. વિમાનો લપસણા રનવે પર સરકી જતા હતા, રનવે જળબંબાકાર થઈ ગયા હતા અને અમે સહુ તરીને ઘેર પાછાં ફર્યાં હતાં. અક્ષય અને એનાં પરિવારજનો એક સ્થળે વેકેશનનો આનંદ માણવા માટે જઈ રહ્યાં હતાં, પણ એમને તે પ્રોગ્રામ પડતો મૂકીને ઘેર પાછાં ફરવું પડ્યું હતું.

અભિનેતા રણદીપ હુડાની વાર્તામાં લાગણી વધારે છે.

એણે સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, હું પહેલી જ વાર ભારત આવેલા મારા કાકા સાથે વિમાન દ્વારા મુંબઈ આવી રહ્યો છું… અમે બંને જણ પહેલી જ વાર સાથે વિમાનપ્રવાસ કરી રહ્યા છીએ… ઘણો રોમાંચક અનુભવ છે.

પરંતુ એણે બીજી પોસ્ટમાં આવું લખ્યું હતું; દિલ્હીથી મુંબઈ માટેની ફ્લાઈટ નાગપુર તરફ વાળી દેવામાં આવી છે. વિમાનમાં જ બેઠો છું.. બીજે ક્યાંય જઈ શકાય એમ નથી… પહેલી જ વાર આવી વિચિત્ર રાત ગાળી રહ્યો છું.. મારા કાકા પહેલી જ વાર મારી સાથે પ્રવાસ કરી રહ્યા છે.

નિર્માતા અનુરાગ કશ્યપને સોમવારે વરસાદને કારણે ટ્રાફિક જામ થતાં ચાર કલાક સુધી સપડાઈ રહેવું પડ્યું હતું. એમણે ટ્વીટમાં લખ્યું હતું, ટ્રાફિકમાં ફસાયાને ત્રણ કલાક થઈ ગયા છે અને મુકામે પહોંચતા હજી એક કલાક થશે. મુંબઈના ટ્રાફિકમાં ગણતરી કરવામાં ગૂગલ મેપ્સ પણ નિષ્ફળ… મને લાગે છે કે એમની ટાઈમ ક્લોક્સ માત્ર અમેરિકન ટ્રાફિક જામ્સ માટે જ બનાવવામાં આવી છે.

દરમિયાન, આલિયા ભટ્ટ, રાહુલ ધોળકિયા, કોમેડિયન સુરેશ મેનન, પૂજા ભટ્ટ જેવી ફિલ્મી હસ્તીઓએ લોકોને વરસાદમાં સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]