દીપિકા કક્કડ બની ‘બિગ બોસ 12’ની વિજેતા; સલમાન ખાને એને સુપરત કરી વિનર ટ્રોફી

મુંબઈ – ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ-ઈબ્રાહિમે કલર્સ ટીવી ચેનલ પરના રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ સીઝન 12’ની વિજેતા ટ્રોફી આજે અહીં જીતી લીધી છે.

શોનાં સંચાલક અને બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને આજે ગ્રેન્ડ ફિનાલે એપિસોડમાં શોનાં વિનર તરીકે દીપિકાનું નામ જાહેર કર્યું હતું.

105 દિવસ પહેલાં શો શરૂ થયો હતો ત્યારે 20 સ્પર્ધકો હાઉસમાં દાખલ થયાં હતાં. છેલ્લે, બિગ બોસ હાઉસમાં માત્ર બે જ સ્પર્ધક રહ્યાં હતાં. દીપિકા અને એસ. શ્રીસાંત.

સલમાને બંનેને ઘરની બહાર આવી મંચ પર હાજર થવા કહ્યું હતું.

સલમાન ખાને જ્યારે વિજેતાનાં નામની જાહેરાત કરી ત્યારે દીપિકાનાં પ્રત્યાઘાત જોવા જેવા હતા. જાણે એને સલમાનના બોલવા પર વિશ્વાસ જ બેસતો નહોતો.

દીપિકા કક્કડની વિનર તરીકે જાહેરાત સાથે જ આ શોનો અંત આવી ગયો છે.

આ શો ત્રણ મહિના સુધી ચાલ્યો હતો. એ ત્રણ મહિના દરમિયાન દર્શકોને ડ્રામા, ઝઘડા, વિવાદ અને લાગણી એમ તમામ પ્રકારના એલીમેન્ટ્સ જોવા મળ્યા હતા.

ટોપ-3 ફાઈનલિસ્ટ્સમાં દીપિકા ઉપરાંત શ્રીસાંત અને દીપક ઠાકુર પણ હતા.

ટોપ-5 સ્પર્ધકમાંના કરણવીર બોહરા અને રોમિલ ચૌધરી ટોપ-3ની રેસમાંથી ફેંકાઈ ગયા હતા.

ત્યારબાદ દીપક ઠાકુર રૂ. 20 લાખની બ્રીફકેસ લઈને સ્વૈચ્છિક રીતે ઘરની બહાર નીકળી ગયો હતો.

તે પછી શ્રીસાંત અને દીપિકા વચ્ચે સીધી હરીફાઈ થઈ હતી. દીપિકા વિનર, શ્રીસાંત ફર્સ્ટ રનર-અપ અને દીપક સેકન્ડ રનર-અપ ઘોષિત કરાયો.

દીપિકાએ પહેલા જ દિવસથી શો પર પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કરી દીધું હતું. એને ભલે અન્ય સ્પર્ધકો સાથે બહુ સારું બન્યું નહોતું, પરંતુ એની પર આરોપ મૂકાયો હતો કે એ શ્રીસાંતની તરફેણ કરે છે.

દીપિકાએ શોમાં પોતાનાં પરફોર્મન્સ દ્વારા દર્શકોનું દિલ જીત્યું અને વિજેતા બની.

ગ્રેન્ડ ફિનાલેમાં વિનરની જાહેરાત પૂર્વે મનોરંજન આઈટમ્સ પેશ કરવામાં આવી હતી. જેમાં ગાયક અને એક્ટર આદિત્ય નારાયણ, રિધિમા પંડિત, જૈસમિન ભસીન જેવા કલાકારોએ ડાન્સ અને ગાયકીનો પરફોર્મન્સ રજૂ કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]