વર્સોવા બીચ પર સફાઈકામ માટે અમિતાભે ટ્રેક્ટર, ખોદકામ યંત્ર ભેટ આપ્યા

મુંબઈ – બોલીવૂડના મહાનાયક તરીકે જાણીતા અમિતાભ બચ્ચને અહીં અંધેરીના વર્સોવા બીચ પર સફાઈકામ કરવા માટે જાણીતા પર્યાવરણવાદી અફરોઝ શાહને એક ટ્રેક્ટર તથા એક એક્સ્કેવેટર (ખોદકામ યંત્ર) ભેટમાં આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમિતાભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારત ઝૂંબેશના સમર્થક છે. એમણે બીચ પરથી અનેક તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે.

એક તસવીરની કેપ્શનમાં અમિતાભે લખ્યું છે કે સફાઈકામના ઉમદા ઉદ્દેશ્યમાં ભેટ આપવાની મને બેહદ ખુશી થઈ છે. જીવનનો ઘણો સંતોષકારક અનુભવ પ્રાપ્ત થયો છે. વર્સોવા બીચ સફાઈકામ માટે એક એક્સ્કેવેટર અને એક ટ્રેક્ટર ભેટમાં આપ્યા છે.

અફરોઝ શાહે પણ એમના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર આ ઈમેજ શેર કરી છે અને લખ્યું છે કે એક પ્રિય મિત્ર તરફથી આ ગિફ્ટ મળી છે.