ભાઈ-બહેન (હર્ષવર્ધન-સોનમ)ની ફિલ્મ એક જ દિવસે રિલીઝ થશે

0
1283

મુંબઈ – પીઢ બોલીવૂડ અભિનેતા અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરની નવી ફિલ્મ ‘ભાવેશ જોશી સુપરહીરો’ એની બહેન સોનમ કપૂર-આહુજાની ‘વીરે દી વેડિંગ’ સાથે સ્પર્ધામાં ઉતરવાની છે. આ બંને ફિલ્મ આવતી 1 જૂને એક સાથે રિલીઝ થવાની છે.

હર્ષવર્ધનની ફિલ્મ વાસ્તવમાં 25 જૂને રિલીઝ કરવાનું નક્કી થયું હતું, પણ એની તારીખ ત્રણ અઠવાડિયા વહેલી કરવામાં આવી છે.

આ ફિલ્મના ડાયરેક્ટર છે, વિક્રમાદિત્ય મોટવાને.

નિર્માતાઓનું કહેવું છે કે વિતરણની દ્રષ્ટિએ 1 જૂન વધારે સારી તારીખ છે. એ તારીખે દર્શકગણ પણ મોટો મળે છે. એ તારીખે હિન્દી અને અંગ્રેજી ફિલ્મો વચ્ચે ટક્કર રહેતી નથી. તેથી અમારી ફિલ્મને વધુ સંખ્યામાં શો મળશે અને દર્શકોની સંખ્યા પણ મોટી મળશે.

હર્ષવર્ધન કપૂર, સોનમ કપૂર-આહુજા

‘ભાવેશ જોશી સુપરહીરો’ ફિલ્મમાં મિત્રોના એક જૂથની વાર્તા છે જેઓ સચ્ચાઈના માર્ગે નીકળ્યા છે. કેટલાક રોમાંચક બનાવો બાદ એમનું જીવન વળાંક લે છે અને એક સામાન્ય માનવી ભાવેશ જોશી નામના સુપરહીરોમાં પરિવર્તિત થઈ જાય છે.

ફિલ્મનું નિર્માણ ઈરોસ ઈન્ટરનેશનલ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, વિકાસ બહલ, મધુ મન્ટેના અને અનુરાગ કશ્યપે સાથે મળીને કર્યું છે.

‘વીરે દી વેડિંગ’માં સોનમ ઉપરાંત કરીના કપૂર-ખાન, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનીયા છે. આ ફિલ્મ એક લગ્નપ્રસંગ પર આધારિત છે.

‘ભાવેશ જોશી સુપરહીરો’માં હર્ષવર્ધન ઉપરાંત નિશીકાંત કામત, આશિષ વર્મા, પ્રિયાંશુ પૈન્યુલી અને શ્રિયા સભરવાલની પણ ભૂમિકા છે. આ ફિલ્મની મુખ્ય ભૂમિકા માટે પહેલા ઈમરાન ખાન અને પછી સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ નક્કી થયું હતું, ફિલ્મનું શૂટિંગ વારંવાર વિલંબિત થયું હતું અને આખરે મુખ્ય ભૂમિકા હર્ષવર્ધનને ફાળે આવી.