આઘા હટો, ‘મણિકર્ણિકા, ઠાકરે’… સલમાન ખાન આવી ગયો છે; ‘ભારત’નું ટીઝર રિલીઝ કરાયું

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘ભારત’નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

ઐતિહાસિક સમયગાળા પર આધારિત આ ડ્રામા ફિલ્મ છે. આજે રિલીઝ કરાયેલા ટીઝરનો વિડિયો એક મિનિટથી વધુ સમયનો છે.

આ ટીઝર પરથી ફિલ્મમાં સલમાનના અનેક લૂક્સ હોવાની એક ઝલક જોવા મળે છે.

આ ટીઝર ખરા ટાણે જ આવ્યું છે, કારણ કે આવતીકાલે જ ભારત દેશ પોતાનો 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવનાર છે.

ટીઝરનો આરંભ ભારત-પાકિસ્તાનના ભાગલાના એક દ્રશ્યથી કરવામાં આવ્યો છે.

સલમાનને એવું બોલતા સાંભળી શકાય છે કે, ‘લોકો મને ઘણી વાર પૂછે છે કે મારી જાતિ કઈ અને મારો ધર્મ કયો. ત્યારે હું હસીને એમને જવાબ આપું છું કે, મારા પિતાએ મારું નામ ભારત રાખ્યું છે અને હું એમાં જાતિ કે ધર્મનો ઉમેરો કરીને આ દેશનું માન ઘટાડવા માગતો નથી.’

ટીઝરની ટેગલાઈનમાં વંચાય છે – ‘એક માનવી અને એક દેશની સફર – સાથે જ’…

સલમાનને ભારતીય નૌકાદળના એક કેપ્ટનના ગણવેશમાં જોઈ શકાય છે. બાઈક પર સવાર થયેલા સલમાનના અનેક શોટ્સ જોઈ શકાય છે.

ભારતનું ટીઝર શેર કરતી વખતે સલમાને આમ લખ્યું છેઃ ‘ભારત કા ટીઝર.’

અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત ‘ભારત’ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત તબુ, કેટરીના કૈફ, જેકી શ્રોફ, દિશા પટની, સોનાલી કુલકર્ણી અને નોરા ફતેહી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મ આ વર્ષે ઈદના તહેવારમાં રજૂ કરવામાં આવશે.

httpss://youtu.be/Fxq18WuuRms