મુંબઈ – બોલીવૂડ નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની આગામી હિન્દી ફિલ્મ ‘પદ્માવતી’ ૧ ડિસેમ્બરે રિલીઝ થાય એ પહેલાં જ સતત વધી રહેલા વિવાદો તથા વધી રહેલી ધમકીઓને પગલે મહારાષ્ટ્ર સરકારે ભણસાલીને સાવચેતીના પગલા તરીકે સુરક્ષા કવચ આપ્યું છે.
ભણસાલીને કેવા પ્રકારનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે એ હજી સુધી સ્પષ્ટ થયું નથી અને આ વિશે ભણસાલીએ પણ કશું જાહેર કર્યું નથી.
મુંબઈમાં રહેતા અને કામ કરતા ભણસાલીને પોલીસ રક્ષણ પૂરું પાડવા બદલ ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિયેશન (IFTDA)એ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આભાર માન્યો છે.
નિર્માતા અશોક પંડિતે ફિલ્મ ઉદ્યોગ વતી જણાવ્યું છે કે અમારા માનવંતા સભ્યને પોલીસ રક્ષણ પૂરું પાડવા બદલ સરકાર પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી.
પંડિતે ફડણવીસને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સંભાળવાની તમે આપેલી ખાતરીની અમે પ્રશંસા કરીએ છીએ, કારણ કે એ માટે તમારા સ્ટાફ તથા પોલીસજવાનોને કેટલા બધા ખડેપગે રહેવું પડશે એ અમે જાણીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, દીપિકા પદુકોણને શિર્ષક ભૂમિકામાં ચમકાવતી ‘પદ્માવતી’ ફિલ્મમાં રાજપૂત રાણી પદ્માવતીને વાંધાજનક રીતે રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરીને અનેક જૂથો તથા નિષ્ણાતોએ ભણસાલી પર રોષ ઠાલવ્યો છે.
મુંબઈ અને ગુજરાતના સુરત, ગાંધીનગર શહેરો સહિત દેશમાં અનેક સ્થળે આ ફિલ્મ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અમુક સ્થળે દેખાવોએ હિંસક સ્વરૂપ પણ ધારણ કર્યું છે.