અથિયા શેટ્ટી, લોકેશ રાહુલ પ્રેમમાં છે? ક્રિકેટ-બોલીવૂડમાં લવઅફેરનો નવો કિસ્સો?

મુંબઈ – દેશમાં એક વધુ ક્રિકેટર અને બોલીવૂડ અભિનેત્રી વચ્ચે પ્રેમસંબંધ થયો હોવાની વાતો છે. ભારતની વર્લ્ડ કપ ક્રિકેટ ટીમના સભ્ય અને બોલીવૂડ અથિયા શેટ્ટી નવાં લવબર્ડ્સ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બોલીવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર લોકેશ રાહુલ એકબીજાનાં પ્રેમમાં છે અને ડેટિંગ કરતા હોવાના અહેવાલો છે.

રાહુલે ગઈ કાલે જ વેસ્ટ ઈન્ડિઝ પર 125-રનથી ભારતની જીતમાં 48 રનનું યોગદાન આપ્યું હતું. એ ટીમનો ઓપનર છે. આમ, રાહુલ એક તરફ ક્રિકેટ ફિલ્ડમાં તેની પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યો છે ત્યારે ક્રિકેટની બહારના ફિલ્ડમાં એની જુદા વિષયમાં ચર્ચા થઈ રહી છે.

ક્રિકેટર અને બોલીવૂડ અભિનેત્રી વચ્ચે પ્રેમસંબંધની વાત નવી નથી. રાહુલનો કેપ્ટન વિરાટ કોહલી અભિનેત્રી અનુષ્કા શર્માનાં પ્રેમમાં પડ્યો હતો અને બંને જણ હવે પતિ-પત્ની છે.

એવી જ રીતે, ઓલરાઉન્ડર યુવરાજ સિંહે હેઝલ કીચ સાથે લગ્ન કર્યા છે. ફાસ્ટ બોલર ઝહીર ખાને સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા છે.

‘બોલીવૂડ લાઈફ’નો અહેવાલ છે કે કે.એલ. રાહુલ અને અથિયા શેટ્ટી એકબીજાને ડેટિંગ કરે છે. રાહુલ-અથિયાની એક કોમન ફ્રેન્ડ – આકાંશા રંજન કપૂરે સોશિયલ મિડિયા પર એક તસવીર શેર કરી છે જેમાં તે પોતે રાહુલ અને અથિયા સાથે દેખાય છે. રાહુલ અને અથિયા વચ્ચે આકાંશાએ ઓળખાણ કરાવી આપી હોવાનું કહેવાય છે.

આ ફોટો એપ્રિલ મહિનામાં શેર કરાયો હતો, પણ એની ચર્ચા હવે શરૂ થઈ છે. જોકે આ અહેવાલ અંગે રાહુલ કે અથિયાએ હજી સુધી કોઈ પ્રત્યાઘાત આપ્યા નથી.

અગાઉ એવી વાતો હતી જ કે રાહુલ કોઈક બોલીવૂડ અભિનેત્રીના પ્રેમમાં છે. એ વખતે એનું નામ આલિયા ભટ્ટની સહેલી આકાંક્ષા કપૂર, ‘જન્નત’ની અભિનેત્રી સોનલ ચૌહાણ અને ‘મુન્ના માઈકલ’ની અભિનેત્રી નિધિ અગ્રવાલ સાથે જોડવામાં આવ્યું હતું, કારણ કે રાહુલ આ ત્રણેય છોકરી સાથે દેખાયો હતો. જોકે રાહુલ આમાંની કોઈ સાથે પ્રેમમાં હોવાની વાતો અફવા સાબિત થઈ હતી, પણ હવે રાહુલનું નામ અથિયા સાથે ચગ્યું છે.

અથિયા શેટ્ટીએ 2015માં ‘હિરો’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એની નવી ફિલ્મ આવી રહી છે ‘મોતીચૂર ચકનાચૂર’. એમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી સામે ચમકવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]