પીઢ બોલીવૂડ નિર્માતા અર્જૂન હિંગોરાની (92)નું નિધન

મુંબઈ – ધર્મેન્દ્રને હિન્દી સિનેમામાં પ્રવેશ કરાવનાર નિર્માતા-દિગ્દર્શક અર્જૂન હિંગોરાનીનું પાંચ મે, શનિવારે વૃંદાવનમાં નિધન થયું છે. એ 92 વર્ષના હતા. એમના અંતિમ સંસ્કાર વૃંદાવન ધામમાં જ કરવામાં આવ્યા હતા. હિંગોરાનીના નિધનના સમાચાર ધર્મેન્દ્રએ એમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા છે અને એની સાથે હિંગોરાની સાથેની પોતાની એક તસવીર પણ શેર કરી છે.

હિંગોરાનીએ 1960માં ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ ફિલ્મ સાથે ધર્મેન્દ્રને બોલીવૂડમાં એન્ટ્રી કરાવી હતી. ત્યારબાદ એમણે ધર્મેન્દ્ર સાથે ‘કબ? ક્યૂં? ઔર કહાં?’ (1970), ‘કહાની કિસ્મત કી’ (1973), ‘ખેલ ખિલાડી કા’ (1977), ‘સલ્તનત’ અને ‘કૌન કરે કુરબાની’ (1991) ફિલ્મો બનાવી હતી. હિંગોરાનીએ આ ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો.

બોલીવૂડ નિર્માતા તરીકે હિંગોરાનીની કારકિર્દી 3 દાયકા જેટલી લાંબી રહી હતી. એમણે મોટા ભાગની ફિલ્મો ધર્મેન્દ્રને લઈને જ બનાવી હતી. આ બંને વચ્ચેની મિત્રતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહુ જાણીતી છે.

નિર્માતા તરીકે હિંગોરાનીની છેલ્લી ફિલ્મ હતી ‘કૈસે કહૂં કે પ્યાર હૈ’, જે 2003માં રિલીઝ થઈ હતી.

હિંગોરાની એમની ફિલ્મોના શિર્ષક મોટે ભાગે 3 અંગ્રેજી અક્ષર ‘K’વાળા જ રાખતા. જેમ કે, કબ ક્યૂં ઔર કહાં, કહાની કિસ્મત કી, ખેલ ખિલાડી કા, કરિશ્મા કુદરત કા, કૌન કરે કુરબાની, કાતિલોં કે કાતિલ, કૈસે કહૂં કે પ્યાર હૈ.

ધર્મેન્દ્રએ જ્યારે મુંબઈમાં પોતાના પુત્ર સનીના નામે સ્ટુડિયો ‘સની સુપર સાઉન્ડ્સ’ શરૂ કર્યો હતો ત્યારે પહેલું બુકિંગ એમણે અર્જૂન હિંગોરાનીની ફિલ્મનું કર્યું હતું.