અનુષ્કા શર્માનો 30મો જન્મદિવસ; બેઘર પશુઓની દેખભાળ માટે એ બાંધી રહી છે આશ્રયસ્થાન

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે પોતાનો 30મો જન્મદિવસ ઊજવી રહી છે. પોતાના આયુષ્યનાં નવા દસકાના આરંભે એણે રસ્તે રઝળતા, બેઘર પશુઓ-પ્રાણીઓ માટે એક આશ્રયસ્થાન બાંધવાની યોજના ઘડી છે.

ગયા વર્ષે ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કરનાર અનુષ્કાએ આજે આ ખાસ દિવસ પર પોતાની યોજનાની જાહેરાત કરી છે.

અનુષ્કાએ ટ્વિટર પર જણાવ્યું છે કે, ‘મારા જન્મદિવસ પર હું નાના પાયે કંઈક એવું કાર્ય શરૂ કરી રહી છું, જેમાં આપણા સાથી જીવિત પ્રાણીઓને સમાન અધિકાર, સમાન દેખભાળ અને સમાન પ્રેમ મળશે.’

અનુષ્કાએ કહ્યું છે કે, ‘હું મુંબઈની હદમાં એક પશુ આશ્રયસ્થાનનું નિર્માણ કરી રહી છું, જેમાં એવા પશુ-પ્રાણીઓની દેખભાળ કરવામાં આવશે જેઓ રસ્તાઓ પર બેઘર હાલતમાં જીવે છે. એવા પ્રાણીઓને આ આશ્રયસ્થાનમાં પ્રેમ, રક્ષણ અને પોષણ આપવામાં આવશે.’

અનુષ્કાએ કહ્યું કે, ‘આ વિચાર મારા મનમાં ઘણા વર્ષોથી ચાલતો હતો. આખરે મારું સપનું સાકાર થઈ રહ્યું છે. હું આવા ઘરને એવી જગ્યાએ બાંધવા માટે આપનો સમય, સમર્થન અને સલાહ ઈચ્છું છું જ્યાં આવા પ્રાણીઓને કરુણા અને પ્યાર મળવાની સાથોસાથ એમની દેખભાળ પણ થાય. મને આપના આશીર્વાદ અને પ્રાર્થનાની જરૂર છે.’

પત્ની અનુષ્કાનાં જન્મદિવસ નિમિત્તે પતિ વિરાટ કોહલીએ પણ સોશિયલ મિડિયા પર એક પ્યારભર્યા સંદેશ સાથે અનુષ્કાને શુભેચ્છા આપી છે. વિરાટે અનુષ્કાની સાથે પોતાની તસવીર શેર કરી છે અને કહ્યું છે કે, ‘મારા પ્યારને જન્મદિવસની શુભેચ્છા. હું જેમને જાણું છું એ તમામમાં તું સૌથી સકારાત્મક અને પ્રામાણિક માનવી છે. તને મારો પ્યાર.’

અનુષ્કા, જે હવે નિર્માત્રી પણ બની ગઈ છે, એ ટૂંક સમયમાં નવી ફિલ્મ ‘સૂઈ ધાગા’માં જોવા મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]