પરીક્ષામાં મને ક્યારેય 38 ટકાથી વધારે માર્ક્સ આવ્યા નહોતાઃ અનુપમ ખેર

મુંબઈ – હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા અનુપમ ખેરનું કહેવું છે કે એમને પરીક્ષાઓમાં ક્યારેય 38 ટકાથી વધારે માર્ક્સ આવ્યા નહોતા, પરંતુ તે છતાં એમની આ નિષ્ફળતાની એમના પિતા ઉજવણી કરતા હતા એટલે ઓછા માર્ક્સ મેળવ્યાનો ભય પોતાને ક્યારેય સતાવ્યો નહોતો.

અનુપમ ખેરે સીબીએસઈના 12મા ધોરણમાં 500માંથી 499 માર્ક્સ મેળવીને ટોપર બનેલી 17 વર્ષની મેઘના શ્રીવાસ્તવને ટ્વિટર દ્વારા અભિનંદન આપ્યા છે અને કહ્યું છે કે 70-80 ટકા માર્ક્સ લાવનારાઓને પણ એટલા જ બિરદાવવા જોઈએ.

ખેરનું કહેવું છે કે હું તો જે લોકો નિષ્ફળ જાય એમને પણ બિરદાવું છું, કારણ કે મારે મન નિષ્ફળતા એક પ્રસંગ સમાન છે. જે લોકોને ઓછા માર્ક્સ મળે એમને વધારે સપોર્ટ મળવો જોઈએ. મને પોતાને પરીક્ષામાં ક્યારેય 38 ટકાથી વધારે માર્ક્સ આવ્યા નહોતા. માર્ક્સનું મહત્વ ઘણું હોય છે તે છતાં માતાપિતાએ ‘ઓછા માર્ક્સ આવ્યા છે’ એમ કહીને એમન સંતાનોને માનસિક તાણ આપવી જોઈએ નહીં.

આનાથી વિદ્યાર્થી પર મનોવૈજ્ઞાનિક દબાણ આવે છે. મારા પિતા તો કાયમ મારી નિષ્ફળતાની ઉજવણી કરતા એટલે મને ઓછા માર્ક્સ આવ્યાનો ભય ક્યારેય સતાવ્યો નહોતો, એમ ખેરે વધુમાં જણાવ્યું છે.