આમિર, શાહરૂખે સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા આપી

મુંબઈ – બોલીવૂડમાં છેલ્લા અમુક દાયકાથી ત્રણ ખાન અભિનેતાઓ છવાઈ ગયા છે. એમાંનો એક સલમાન ખાન આજે પોતાનો બાવનમો જન્મદિવસ ઊજવી રહ્યો છે. એને બોલીવૂડમાંથી સહ-કલાકારો, હસ્તીઓ તરફથી અભિનંદન-શુભેચ્છાનો વરસાદ વરસ્યો છે, પણ બે સાથી ખાન અભિનેતાએ એને આપેલી શુભેચ્છા ઉલ્લેખનીય બની છે.

આમિરે પોતાના ટ્વિટર પેજ પર સલમાનને હેપ્પી બર્થડે કર્યું છે અને એની ટાઈગર ઝિંદા હૈ ફિલ્મે બોક્સ ઓફિસ પર જે ટંકસાળ પાડી છે એના વખાણ કર્યા છે.

સલમાન ખાને મુંબઈ નજીકના પનવેલમાં પોતાના ફાર્મ હાઉસ ખાતે ભવ્ય બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં બોલીવૂડની ઘણી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

આમિરે ટ્વીટ કર્યું છે કે, ખૂબ પ્રિય સલમાન, તારો આજનો દિવસ તેમજ નવું વર્ષ સરસ જાય એવી ઘણી શુભેચ્છા. વિક્રમસર્જક કમાણી માટે અભિનંદન. સુપર્બ.

શાહરૂખ ગણગણ્યો… તુમ જિયો હજારોં સાલ…

અન્ય સુપરસ્ટાર શાહરૂખ ખાને સલમાનને જન્મદિન નિમિત્તે કહ્યું કે, તુમ જિયો હજારોં સાલ… મારા તરફથી એને ઓલ ધ બેસ્ટ.

શાહરૂખે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું સલમાનને મળવા જઈ શકું એમ નથી, કારણ કે મારા બાળકો અહીં છે અને હું એમની સાથે સમય વિતાવવા માગું છું. પરંતુ સલમાન મુંબઈ પાછો આવશે ત્યારે અમે સાથે મળીને બર્થડેની ઉજવણી કરીશું.

શાહરૂખે મંગળવારે સલમાનને વિશ કરતું એક ગીત એડવાન્સમાં ગાયું હતું અને એમ પણ કહ્યું કે મને સલમાનની નવી ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ બહુ ગમી.

શું તમે તમારા મિત્ર અને સાથી કલાકાર સલમાનને બર્થડે વિશ કરવા માગશો? એવા સવાલના જવાબમાં શાહરૂખે ગીતની કડી ગાઈ… તુમ જિયો હજારોં સાલ…