રિલેશનશિપમાં છું એનો મતલબ એ નહીં કે લગ્ન કરી રહી છું: આલિયા ભટ્ટ (રણબીર કપૂર સાથે સંબંધ વિશે)

મુંબઈ – આલિયા ભટ્ટ બોલીવૂડમાં વર્તમાન સમયની ટોચની અને ટેલેન્ટેડ અભિનેત્રીઓમાં એક ગણાય છે. હાલમાં જ એની ગલી બોય ફિલ્મ રજૂ થઈ છે અને એમાં પણ એની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આ અભિનેત્રી સહ-કલાકાર રણબીર કપૂર સાથે નિકટનાં સંબંધને કારણે ચર્ચામાં છે. બંને જણ લગ્ન કરવાનાં છે એવી અફવા પણ ફેલાઈ છે.

પોતાનાં અંગત જીવન વિશે આલિયા હંમેશાં મૌન ધારણ કરતી રહી છે. પરંતુ એક ઈન્ટરવ્યૂમાં એણે અફવાઓ વિશે ચોખવટ કરી છે. એણે કહ્યું છે કે, ‘રિલેશનશિપ છે એની મને ખુશી છે, પણ એનો મતલબ એ નહીં કે હું લગ્ન કરી રહી છું.’

આલિયાએ કહ્યું કે, સમય બદલાતો ગયો તેમ હું પણ સમજદાર થઈ છું. છેલ્લા અમુક વર્ષોમાં હું મેચ્યોર થઈ છું એવું મારું માનવું છે. મારાં સંબંધને રદિયો આપવા હું ઈચ્છતી નથી, કારણ કે એમ કરવાની મને કોઈ જરૂર લાગતી નથી.

છેલ્લા અમુક દિવસોમાં એવી પણ અફવા ફેલાઈ છે કે આલિયા અને રણબીર વચ્ચે અણબનાવ પણ થયો છે. અમુક તસવીર અને વિડિયો ક્લિપને કારણે સોશિયલ મિડિયા પર લવબર્ડ્સ વિશેનાં સંબંધમાં કડવાશ ઊભી થયાની ચર્ચા ચાલી રહી છે.

આલિયાએ કહ્યું કે મને તો આવું બધું વાંચીને હસવું જ આવે છે.

રણબીર સાથે લગ્નનાં સવાલના જવાબમાં આલિયાએ કહ્યું કે, મારાં લગ્ન વિશે લોકો દર વખતે ચર્ચા કરે એને હું જરૂરી માનતી નથી. આ એક સિમ્પલ સવાલ છે અને મારો જવાબ પણ એ જ છે. હાલના તબક્કે હું લગ્ન કરવાની નથી… બસ એ જ મારો જવાબ છે. હું કોઈક રિલેશનશિપમાં છું તો મને એનો આનંદ છે, પણ એનો મતલબ એ નહીં કે હું લગ્ન કરી રહી છું.

શું તેં તારાં લગ્નની કોઈ તારીખ (સમય) નક્કી કર્યાં છે ખરા? એવા સવાલના જવાબમાં આલિયાએ કહ્યું કે એ વિચારવા માટે હું હજી બહુ નાની છું. જ્યારે મને લાગશે કે અમારી વચ્ચેનો સંબંધ હવે મજબૂત થઈ ગયો છે ત્યારે અમે સાથે બેસીને નિર્ણય લઈશું, પણ હાલને તબક્કે તો, મેં મારાં કામ સાથે જ લગ્ન કરી લીધાં છે અને મારો સંબંધ પણ એની સાથોસાથ ચાલુ રહેશે, એ પણ કહી દઉં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]