સજાગ અક્ષય કુમારે જ્યારે મૂર્છિત થયેલા કલાકારને ઉગારી લીધો

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર હાલ એની આગામી હિન્દી ફિલ્મ ‘હાઉસફૂલ 4’ના પ્રચાર કામમાં વ્યસ્ત છે.

હાલમાં જ એ ‘મૂવી મસ્તી વિથ મનીષ પૌલ’ નામના ટીવી શોનાં સેટ પર પોતાની ફિલ્મના પ્રચાર માટે ગયો હતો. ત્યાં અચાનક એ ઘટના બની હતી.

સેટ પર પરફોર્મન્સ ચાલી રહ્યો હતો. બે અભિનેતા અલી અસગર અને પરિતોષ દોરડા પર લટકીને પરફોર્મ કરી રહ્યા હતા. એવામાં પરિતોષને અચાનક મૂર્છા આવી ગઈ હતી. એ દોરડા પર જ લટકી રહ્યો હતો. દ્રશ્ય જોઈને દરેક જણને આંચકો લાગ્યો હતો. અક્ષય કુમાર નીચે દર્શકગણમાં આગળ જ બેઠો હતો અને પરિતોષને મૂર્છિત થયેલો જોઈને એ તરત જ ત્યાં એની મદદે દોડી ગયો હતો. એણે તરત જ પરિતોષના માથાને ટેકો આપ્યો હતો, એનું માથું પોતાના ખોળામાં મૂક્યું હતું અને દોરડા સાથે એને જોડનાર સાજ હટાવી દીધો હતો. એ પછી પરિતોષને નીચે ઉતાર્યો હતો અને જમીન પર સૂવડાવી દીધો હતો.

પરિતોષને લૉ બ્લડપ્રેશરને કારણે મૂર્છા આવી ગઈ હતી.

દેખીતી રીતે પરફોર્મન્સ ચાલુ હતો એટલે કેમેરા, મોબાઈલ ફોન પર એનું રેકોર્ડિંગ થતું હતું. આ આખી ઘટના પણ તેમાં ઝડપાઈ ગઈ હતી. જોતજોતામાં એ વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો.

પરિતોષ તરત જ અમુક જ મિનિટોમાં સાજો થઈ ગયો હતો અને પોતાનું શૂટિંગ પણ એણે ચાલુ રાખ્યું હતું.

અલી અસગરે બાદમાં કહ્યું કે, પરિતોષને મૂર્છિત થયો હોવાનું પહેલું ધ્યાન અક્ષય કુમારનું ગયું હતું. પરિતોષ એનું ભાન ગુમાવી રહ્યો હતો ત્યાં અક્ષય તરત જ એની મદદે દોડી ગયો હતો અને એને ટેકો આપ્યો હતો. માટે જ આપણે અક્ષયને ખિલાડી કહીએ છીએ.

કોમેડી ફિલ્મ ‘હાઉસફૂલ 4’ આવતી 26 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. એમાં અક્ષય ઉપરાંત રીતેષ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ ખરબંદા, કૃતિ સેનન અને પૂજા હેગડેની પણ મુખ્ય ભૂમિકા છે.

જૂઓ તે ઘટનાનો વિડિયો…