‘ખિલાડી’ અક્ષયકુમાર હવે એક્શન હિરો તરીકે વેબ સીરિઝમાં પણ ચમકશે

0
842

મુંબઈ – બોલીવૂડના ‘ખિલાડી’ અભિનેતા અક્ષય કુમારે દિલધડક સ્ટંટ તથા રોમાંચ પ્રચુર એમેઝોન પ્રાઈમ વિડિયોની ઓરિજિનલ સિરીઝ સાથે ડિજિટલ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે.

એક્શન વેબ સીરિઝમાં અક્ષયના સમાવેશની જાહેરાત આજે અહીં ટર્ફ ક્લબ ખાતે પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી.

આ વેબ સીરિઝનું કામચલાઉ શિર્ષક ‘ધ એન્ડ’ રાખવામાં આવ્યું છે. આ વેબ સીરિઝનું નિર્માણ અબુંદંતિયા એન્ટરટેનમેન્ટ કરી રહી છે. આ સીરિઝ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર પ્રસારિત કરવામાં આવશે.

આ વેબ સીરિઝ સાથે અક્ષયના સમાવેશની જાહેરાત પણ આગવી સ્ટાઈલમાં કરાઈ હતી. અક્ષયે લાઈવ ફાયર એક્ટ રજૂ કર્યો હતો. એ આગની જ્વાળાઓ લપેટાઈને સ્ટેજ પર હાજર થયો હતો અને એ જોઈને પત્રકાર પરિષદમાં હાજર સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, અક્ષય હિન્દી ફિલ્મોમાં દિલધડક સ્ટન્ટ દ્રશ્યો ભજવવા માટે જાણીતો છે.

અક્ષય બોલીવૂડની A-કેટેગરીનો પહેલો જ એક્ટર છે જેને કોઈ એક્શન વેબ સીરિઝમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદ કરાયો હોય.

આ પ્રસંગે અક્ષયે પત્રકારોને જણાવ્યું હતું કે ‘આ વર્ષમાં મારે ઘણી ફિલ્મોમાં કામ કરવાનું રહેશે, પણ મારા દીકરા આરવે મને કહ્યું હતું કે પપ્પા, તમારે વેબ સિરીઝમાં પણ કામ કરવું જોઈએ. એટલે જ હું આ વેબ સીરિઝમાં જોડાયો છું.’

(અહેવાલ અને તસવીરોઃ કેતન મિસ્ત્રી)