હોલીવૂડની ફિલ્મમાં એન્જેલિના જોલીનાં પાત્ર માટે ઐશ્વર્યાએ આપ્યો સ્વર

મુંબઈ – હોલીવૂડ અભિનેત્રી એન્જેલિના જોલી અભિનીત આગામી અંગ્રેજી ફિલ્મ ‘મેલીફિસન્ટઃ મિસ્ટ્રેસ ઓફ ઈવિલ’માં જોલીનાં પાત્રનાં સંવાદો માટે સ્વર આપવાની છે બોલીવૂડ બ્યુટી ઐશ્વર્યા રાય-બચ્ચન.

આ ફિલ્મને ડિઝની દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આમ, ઐશ્વર્યા પણ હવે ડિઝની યુનિવર્સ ફેમિલીમાં સામેલ થઈ છે.

‘મેલીફિસન્ટઃ મિસ્ટ્રેસ ઓફ ઈવિલ’ની હિન્દી આવૃત્તિમાં એન્જેલિના જોલીનાં પાત્રને ઐશ્વર્યાએ સ્વર આપ્યો છે.

‘મેલીફિસન્ટઃ મિસ્ટ્રેસ ઓફ ઈવિલ’ની અંગ્રેજી અને હિન્દી, બંને આવૃત્તિ આવતી 18 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

ઐશ્વર્યાને હોલીવૂડમાં પણ મોટી સંખ્યામાં લોકો ફોલો કરી રહ્યાં છે. એ ભૂતકાળમાં ‘ધ પિન્ક પેન્થર 2’, ‘ધ મિસ્ટ્રેસ ઓફ સ્પાઈસીસ’ જેવી હોલીવૂડ ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી ચૂકી છે.

‘મેલીફિસન્ટઃ મિસ્ટ્રેસ ઓફ ઈવિલ’ ફિલ્મ 2014માં આવેલી ‘મેલીફિસન્ટ’નો બીજો ભાગ છે.

જુઓ ‘મેલીફિસન્ટઃ મિસ્ટ્રેસ ઓફ ઈવિલ’ (અંગ્રેજી)નું ટ્રેલર…

ઐશ્વર્યાએ ગયા બુધવારે સોશિયલ મિડિયા પર આ ફિલ્મનું ટીઝર પણ શેર કર્યું હતું. એમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું: ‘મેલીફિસન્ટ.. ડિઝની ફેમિલીનો હિસ્સો બનવા બદલ આનંદની લાગણી થાય છે.’

ટીઝર, હિન્દી ટ્રેલર અને તસવીરોમાં ઐશ્વર્યા મેલીફિસન્ટ લુકમાં જોવા મળે છે. એન્જેલિનાનાં ડાયલોગ્સ બોલવાની સાથે એનાં જ લુકમાં જોવા પણ એ મળી છે. ઐશ્વર્યાનાં દમદાર હિન્દી ડાયલોગ્સને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. ટીઝરમાં એ કહી રહી છેઃ ‘બધાએ મારો પ્યાર જોયો છે, હવે જોવા મળશે મારો ગુસ્સો, મારી નફરત.’

આ ટીઝર સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો છે. એક જ કલાકમાં ઈન્સ્ટાગ્રામ પર એને એક લાખથી વધારે લાઈક્સ મળ્યા હતા. ટીઝરમાં ઐશ્વર્યા કાતિલ રૂપમાં જોઈ શકાય છે. ઓલ-બ્લેક પોશાકમાં, લાલ લિપ્સ્ટિક અને ડબલ ફ્રેન્ચ રોલ હેર સ્ટાઈલ સાથે એ અદ્દભુત લાગે છે. જુઓ ટીઝર…

ઐશ્વર્યા છેલ્લે ‘ફન્ને ખાન’ ફિલ્મમાં અનિલ કપૂર અને રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી.

એ તેનાં પતિ અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે ‘ગુલાબ જામુન’ ફિલ્મમાં જોવા મળે એવી ધારણા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]