‘રાઝી’ ફિલ્મના ગીત ‘ઐ વતન’ના લોન્ચ પ્રસંગે આલિયાએ કહ્યું, ‘કઠુઆની ઘટનાથી બહુ વિચલિત છું’

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને ચમકાવતી આગામી નવી હિન્દી ફિલ્મ ‘રાઝી’નું ગીત ‘ઐ વતન’ આજે અહીં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે આલિયા ઉપરાંત ફિલ્મનાં નિર્દેશિકા મેઘના ગુલઝાર તથા બે અભિનેતા વિકી કૌશલ અને જયદીપ અહલાવત ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં જમ્મુના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકીનાં બળાત્કાર અને હત્યાની ઘટનાનો ઉલ્લેખ કરતાં આલિયાએ કહ્યું કે, આ ઘટનાથી બોલીવૂડમાં નારાજગી છે, આખા દેશમાં નારાજગી ફેલાઈ છે. આ ઘટના અત્યંત શરમજનક, ભયંકર ઘટના છે. આને આપણે સૌએ વખોડી કાઢવી જોઈએ.

આલિયાએ એવી આશા વ્યક્ત કરી છે કે આ કેસમાં ન્યાય કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આલિયાની ‘રાઝી’ ફિલ્મનું શૂટિંગ કશ્મીરમાં જ કરવામાં આવ્યું છે. તેથી કઠુઆમાં બાળકીનાં બળાત્કાર અને હત્યાના આઘાતજનક સમાચાર જાણીને પોતાને ખૂબ ગુસ્સો ચડ્યો હતો એમ આલિયાએ કહ્યું.

આલિયાને જ્યારે કઠુઆ ઘટના વિશે અભિપ્રાય વ્યક્ત કરવા કહેવામાં આવ્યું ત્યારે એણે કહ્યું કે આ બહુ જ શરમજનક ઘટના છે. એક છોકરી, એક સ્ત્રી, એક વ્યક્તિ અને આ દેશની એક નાગરિક તરીકે કહું તો આ ઘટનાથી હું બહુ જ વિચલિત છું. હું આ કેસ વિશે ઘણા દિવસોથી વાંચતી હતી, પણ હવે બે દિવસથી એ વિશે વાંચવાનું બંધ કરી દીધું છે, કારણ કે હું જેટલું વધારે વાંચું છું એટલી વધારે અપસેટ થાઉં છું, ગુસ્સે થાઉં છું અને વ્યથિત થાઉં છું. મને આશા છે કે ન્યાય કરવામાં આવશે. આપણે સૌએ આ ઘટનાને વખોડી કાઢવી જોઈએ, કારણ કે આવું ફરીવાર બનવું ન જોઈએ.

વિકી કૌશલ, આલિયા ભટ્ટ, જયદીપ અહલાવત

લાગણીસભર ગીત ‘ઐ વતન’ સુપ્રસિદ્ધ ગીતકાર ગુલઝારે લખ્યું છે. અરિજીત સિંહે તે સ્વરબદ્ધ કર્યું છે અને તેના સંગીતકાર શંકર-એહસાન-લોય છે.

‘રાઝી’ ફિલ્મ આવતી 11 મેએ રિલીઝ થવાની છે.

httpss://youtu.be/fKIO55qe1MA

httpss://youtu.be/i_ZCWannKwM

httpss://youtu.be/hsHcXX1zDIU

(અહેવાલ, તસવીરો, વિડિયોગ્રાફીઃ કેતન મિસ્ત્રી)