આમિર ખાન બનાવી રહ્યો છે હોલીવૂડની ઓસ્કરવિજેતા ફિલ્મની હિન્દી રીમેક

મુંબઈ – ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ની નિષ્ફળતાએ બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનને હચમચાવી મૂક્યો છે. હિન્દી ફિલ્મજગતના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે જાણીતો થયેલો આમિર ખાન હવે એક નવી ફિલ્મ બનાવી રહ્યો છે.

આ ફિલ્મ મહાભારતની પૌરાણિક વાર્તા પર આધારિત નથી, પણ હોલીવૂડની એક ફિલ્મની હિન્દી રીમેક હશે.

આમિર ખાને હોલીવૂડની સુપરહિટ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ પરથી હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. ‘ફોરેસ્ટ ગમ્પ’નો અભિનેતા ટોમ હેન્ક્સ આમિરનો ફેવરિટ છે.

‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક બનાવવા વિશે આમિરે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ સૂત્રોનો દાવો છે કે ટૂંક સમયમાં જ એ આવી જાહેરાત કરશે અને વિગતો આપશે.

‘ફોરેસ્ટ ગમ્પ’ 1994માં બની હતી અને વિન્સ્ટન ગ્રૂમે 1986માં આ જ શિર્ષક સાથે લખેલી નવલકથા પર આધારિત હતી.

આમિર ખાન વિશે પણ એવી પણ વાતો ચાલે છે કે એ ઓશો રજનીશ વિશે એક વેબ સીરિઝ બનાવવાનો છે.

આમિર ખાનના હાથમાંથી એક મોટી ફિલ્મ જતી રહી છે. ‘સારે જહાં સે અચ્છા’ ફિલ્મમાં ભારતના પ્રથમ અવકાશવીર રાકેશ શર્માનો રોલ કરવા માટે આમિરને પસંદ કરાયો હતો, પણ બાદમાં એ આ ફિલ્મમાંથી ખસી ગયો હતો. કદાચ એને ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક બનાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું હશે એટલે એણે ‘સારે જહાં સે અચ્છા’ છોડી દીધી એવું ધારી લઈએ.

એવા અહેવાલો છે કે આમિરે ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક માટેનાં અધિકાર પેરામાઉન્ટ પિક્ચર્સ પાસેથી ખરીદી લીધાં છે.

‘ફોરેસ્ટ ગમ્પ’ ફિલ્મે છ ઓસ્કર એવોર્ડ જીત્યા હતા. ટોમ હેન્ક્સને બેસ્ટ એક્ટર એને 13 કેટેગરીમાં નામાંકન મળ્યું હતું. આ ફિલ્મના મુખ્ય પાત્ર ફોરેસ્ટનું મગજ બહુ ધીમું કામ કરતું હતું, પરંતુ તે છતાં એ સફળતા પ્રાપ્ત કરે છે અને એક ઐતિહાસિક પુરુષ બની જાય છે, પણ એને એની પ્રેમિકા છોડીને જતી રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]