દિલ્હીને ‘આપ’-દાએ ઘેરી લીધી છે, બદલીને રહીશું: PM મોદી

નવી દિલ્હીઃ PM મોદીએ દિલ્હીના અશોકવિહાર સ્થિત સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઇન-સીટૂ સ્લમ પુનર્વાસ યોજના અંતર્ગત ઝુગ્ગી ઝોંપડી (JJ)ના રહેવાસીઓ માટે 1675 નવા ફ્લેટોનું ઉદઘાટન કર્યું હતું અને પાત્ર લાભાર્થીઓને ચાવીઓ સોંપી હતી. તેમણે આ પ્રસંગે રામલીલા મેદાનમાં લોકોને સંબોધિત કરતાં આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે.

દિલ્હી સરકારને બાળકોના ભવિષ્યની ચિંતા નથી. છેલ્લાં 10 વર્ષમાં સ્કૂલનાં બાળકોના શિક્ષણને ભારે નુકસાન થયું છે. મેં ચાર કરોડ લોકોને ઘર આપીને તેમનાં સપનાં પૂરાં કર્યાં છે. માટા માટે મેં ક્યારેય ઘર નથી બનાવ્યું. હું પણ શીશ મહેલ બનાવી શકતો હતો, પણ મારા દેશવાસીને પાકું ઘર મળે –એ જ સપનું હતું, એમ તેમણે કહ્યું હતું.

છેલ્લાં 10 વર્ષોમાં દિલ્હી એક મોટી આપ-દાથી ઘેરાયેલી છે. અન્ના હજારેને આગળ કરીને કેટલાક કટ્ટર બેઇમાન લોકોએ દિલ્હીને આપ-દામાં ધકેલી દીધી છે. દારૂનાં લાઇસન્સ, બાળકોની સ્કૂલમાં કૌભાંડ, ગરીબોની સારવારમાં કૌભાંડ, ભરતીઓને નામ કૌભાંડ –આ લોકો દિલ્હીના વિકાસની વાત કરતા હતા, પણ આ લોકો આપ-દા બનીને દિલ્હી પર તૂટી પડ્યા છે.

વીર સાવરકરને નામે નજફગઢમાં એક નવી કોલેજ બનશે. જે લોકો છેલ્લાં 10 વર્ષોથી દિલ્હીની સત્તામાં છે. તેમણે સ્કૂલના શિક્ષણને નુકસાન પહોંચાડ્યું છે. કેન્દ્ર સરકારે દિલ્હીને જે પૈસા આપ્યા છે, એની અડધી રકમ પણ તેમણે શિક્ષણ પર નથી વાપરી, એમ તેમણે કહ્યું હતું.

દિલ્હીમાં આશરે 3000 એવાં ઘરોનું નિર્માણનું કામ થોડા સમયમાં પૂરું થવાનું છે. આવનારા સમયમાં નવાં ઘર દિલ્હીવાસીઓને મળવાનાં છે, એમ તેમણે કહ્યું હતું.