કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે બુધવારે ઝારખંડના ચૈબાસા સ્થિત સાંસદ/ધારાસભ્ય કોર્ટમાં હાજર થયા હતા. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી વર્ષ 2018માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે દાખલ કરાયેલા માનહાનિના કેસમાં કોર્ટમાં હાજર થયા હતાં. આ મામલે કોર્ટે તેમને જામીન આપ્યા છે.

રાહુલ ગાંધી પર શું આરોપ છે?
મળતી માહિતી મુજબ, પ્રતાપ કુમાર નામના વ્યક્તિ દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. વ્યક્તિનો આરોપ છે કે રાહુલ ગાંધીએ 2018માં ચૈબાસામાં એક રેલી દરમિયાન અમિત શાહ વિરુદ્ધ માનહાનિભર્યા નિવેદનો આપ્યા હતા. પ્રતાપ કુમારે ચૈબાસાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ અમિત શાહની છબી ખરાબ કરવાના ઈરાદાથી જાણી જોઈને માનહાનિભર્યા નિવેદનો આપ્યા હતા.
કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગાંધીના આગમનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ચૈબાસામાં સુરક્ષા વધારી દેવામાં આવી હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ટાટા કોલેજ ગ્રાઉન્ડ પર હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. કોર્ટ કાર્યવાહી પછી રાહુલ ગાંધી રાંચી પાછા ફરશે.
તમને જણાવી દઈએ કે લોકસભામાં વિપક્ષના નેતા ગાંધી મંગળવારે ઝારખંડના વરિષ્ઠ આદિવાસી નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પછી, બુધવારે, તેઓ માનહાનિના કેસમાં ચાઇબાસા કોર્ટમાં હાજર થયા.




