દરેક ભારતીયનું બંધારણ ખતરામાં છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ દેશમાં છઠ્ઠી ડિસેમ્બરે ડો. ભીમરાવ અંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કાનૂનવિદ્, અર્થશાસ્ત્રી, શિક્ષાવિદ્ અને ભારતના બંધારણના સર્જક બાબાસાહેબ ભીમરાવ અંબેડકરની આજે 70મી પુણ્યતિથિ છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ડો. ભીમરાવ અંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યાર બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે અંબેડકરજી એક આદર્શ છે. તેમણે આખા દેશને દિશા બતાવી, અમને બંધારણ આપ્યું. તેથી અમે તેમને યાદ કરીએ છીએ અને તેમના વિચારો અને બંધારણની રક્ષા કરીએ છીએ, પણ દરેક ભારતીયનું બંધારણ જોખમમાં છે. અમે તેની રક્ષા કરીએ છીએ, નાગરિકો તેની રક્ષા કરે છે.

બંધારણની રક્ષા, મારો સંકલ્પ: રાહુલ ગાંધી

ત્યાર બાદ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીએ બંધારણીય મૂલ્યોની રક્ષા માટે તેમની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી.

સંસદ પરિસરમાં મનાયો મહાપરિનિર્વાણ દિવસ

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તરફથી ડો. આંબેડકર ફાઉન્ડેશન (DAF) દ્વારા 6 ડિસેમ્બર, 2025એ સંસદ ભવન પરિસરમાં આવેલા પ્રેરણા સ્થળે બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકરની પ્રતિમા પાસે 70મો મહાપરિનિર્વાણ દિવસ મનાયો હતો.

સંસદ ભવનના લોનમાં આવેલી બાબાસાહેબ ડો. બી.આર. અંબેડકરની વિશાળ પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર કાર્યક્રમ સામાન્ય જનતા માટે ખુલ્લો રાખવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં ડો. અંબેડકર ફાઉન્ડેશને (DAFએ) અનુયાયીઓના સામાનના ભંડાર માટે સ્ટોલની વ્યવસ્થા કરી. એ સાથે જ 25 બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા રજૂ કરાયેલા બૌદ્ધ મંત્રોચ્ચાર સાથે બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.