મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આશા વ્યક્ત કરી છે કે મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગે મુંબઈમાં ગણેશ ઉત્સવની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા માટે કંઈ કરશે નહીં. જરાંગેએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે કે મંગળવાર (26 ઓગસ્ટ) સુધીમાં મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગો (OBC) હેઠળ 10 ટકા અનામત આપવામાં આવે નહીંતર વિરોધનો સામનો કરવો પડશે. મરાઠા નેતાએ કહ્યું છે કે જો સરકાર અનામતની માંગણી નહીં સ્વીકારે તો 27 ઓગસ્ટ, ગણેશ ચતુર્થીના રોજ મુંબઈ તરફ કૂચ શરૂ થશે. તેઓ 29 ઓગસ્ટના રોજ અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર બેસશે.

સીએમ ફડણવીસે આ મામલે જણાવ્યું કે, “જે લોકો પોતાને મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના સાચા અનુયાયી કહે છે તેઓ હિન્દુઓના સૌથી મોટા તહેવાર ગણેશ ચતુર્થીને ખલેલ પહોંચાડવા માટે કંઈ કરશે નહીં.” મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે દરેકને લોકશાહી રીતે વિરોધ કરવાનો અને પોતાની માંગણીઓ ઉઠાવવાનો અધિકાર છે.
સરકારે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી
વધુમાં સીએમે કહ્યું કે, “બધા જાણે છે કે અમે મરાઠા સમુદાયની એકતા માટે કામ કર્યું છે અને 10 ટકા ક્વોટા આપ્યો છે. અમે સમુદાયમાંથી 1.5 લાખ ઉદ્યોગપતિઓ ઉભા કર્યા છે “. રાજ્ય સરકારે ગયા વર્ષે મરાઠા સમુદાય માટે એક અલગ શ્રેણી હેઠળ 10 ટકા અનામતની જાહેરાત કરી હતી.
જરાંગેની માંગ શું છે?
જરાંગે બધા મરાઠાઓને કુણબી (ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ કૃષિ જાતિ) તરીકે માન્યતા આપવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે, જેનાથી તેઓ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત માટે લાયક બને.
જરાંગેના આરોપ પર કે તેમણે (ફડણવીસ) નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મરાઠાઓ માટે કામ કરવાની મંજૂરી આપી ન હતી, મુખ્યમંત્રીએ કહ્યું, “શિંદેએ એવું કહ્યું નથી… ભલે કોઈ અમારી વચ્ચે મતભેદો પેદા કરવાનો પ્રયાસ કરે… અમે સાથે છીએ અને યોગ્ય રીતે કામ કરી રહ્યા છીએ.”
જ્યારે જરાંગે દ્વારા તેમના પર કરવામાં આવેલી ટીકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ફડણવીસે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજનો સાચો અનુયાયી ક્યારેય હલકી કક્ષાની ભાષાનો ઉપયોગ કરશે નહીં અને મહિલાઓ વિરુદ્ધ બોલશે નહીં. તેમણે વધુમાં કહ્યું, ‘મને મારી માતા, આપણી દેવીઓ અને મહારાષ્ટ્રના લોકોના આશીર્વાદ છે.’ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જરાંગે પર ફડણવીસની માતા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, કાર્યકર્તાએ આ આરોપને નકારી કાઢ્યો છે.
શિંદેએ પુનર્વિચારણા કરવા વિનંતી કરી
અગાઉ, નાયબ મુખ્યમંત્રી શિંદેએ સોમવારે કાર્યકર્તાને તેમના વિરોધના સમય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી કારણ કે તેમણે ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈ તરફ કૂચ કાઢવાની ધમકી આપી હતી. શિંદેએ કહ્યું કે દરેકને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ અન્ય લોકોને અસુવિધા ન થવી જોઈએ.




