લેવાલી નિકળતાં શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 222 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદ– શેરબજારમાં ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતો પાછળ તેજીની આગેકૂચ રહી હતી. જીએસટી કાઉન્સીલની બેઠક શરૂ  થઈ છે, જેમાં જીએસટીમાં છૂટછાટ આવવાના આશાવાદ પાછળ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈકોનોમી માટે રાહત પેકેજ જાહેર કરે તેવી શકયતા છે, આથી તેજીવાળા ખેલાડીઓએ ઈન્ડેક્સ આધારિત હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી કાઢી હતી. પરિણામે આજે તેજી આગળ વધી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 222.19(0.70 ટકા) ઉછળી 31,814.22 બંધ રહ્યો હતો. અને એનએસઈ નિફટી 91.00(0.92 ટકા) ઉછળી 9979.70 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. એફઆઈઆઈ નેટ સેલરી રહી હતી, પણ સામે સ્થાનિક નાણા સંસ્થાઓની ટેકારૂપી લેવાલી ચાલુ રહી હતી. તેજીવાળા ખેલાડીઓએ આજે હેવીવેઈટ શેરો જેવા કે ઓએનજીસી, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, એચયુએલ, મારૂતિ, આઈટીસી અને ઈન્ફોસીસમાં નવી લેવાલી કાઢી હતી. જેથી સેન્સેક્સ અને નિફટી ઝડપી ઊંચકાયા હતા. ગુરુવાર મોડીરાતે અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ 114 પોઈન્ટ વધી 22,775 બંધ રહ્યો હતો. અને નેસ્ડેક 51 પોઈન્ટ વધી 6585 બંધ થયો હતો. જેની પાછળ આજે એશિયાઈ સ્ટોક માર્કેટમાં મજબૂતી જોવાઈ હતી.

  • ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ભારે લેવાલીથી મજબૂતી રહી હતી. બીએસઈ ઓઈલ એન્ડ ગેસ સેકટરનો ઈન્ડેક્સ 316 પોઈન્ટ ઉછળ્યો હતો.
  • મેટલ સેકટરના શેરોમાં નવી લેવાલીનું આકર્ષણ રહ્યું હતું. બીએસઈ મેટલ ઈન્ડેક્સ 431 પોઈન્ટ ઉછળ્યો હતો.
  • રોકડાના શેરોમાં ગઈકાલની લેવાલી આજે પણ ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 148.34 પ્લસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 180.05 પ્લસ બંધ થયો હતો.
  • કાળા નાણા મામલે સરકારને સફળતા મળી છે, સરકારને 13 બેંકોમાંથી શેલ કંપનીઓના બોગસ ટ્રાન્ઝક્શન ઝડપાયા છે. સરકારના ધ્યાનમાં 2 લાખ શેલ કંપનીઓ છે, બેંકોએ જે પ્રથમ રીપોર્ટ આપ્યો તેમાં 5800 કંપનીઓના 13,140 ખાતાની જાણકારી મળી છે.
  • પવન હંસ અને એન્જિનિયરીંગ પ્રોડેક્ટસ ઈન્ડિયા સહિત કુલ 8 સરકારી કંપનીઓનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી છે.