હરીફ સ્વિગી સાથે મર્જર કરી રહી હોવાના અહેવાલોને ઝોમેટોનો રદિયો

મુંબઈ – દેશમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી માર્કેટની બે અગ્રગણ્ય કંપનીઓ – બેંગલુરુ સ્થિત સ્વિગી અને ગુરુગ્રામ સ્થિત ઝોમેટો એકબીજામાં વિલીન થવાની છે એવા અહેવાલોને પગલે સનસનાટી મચી ગઈ છે, પરંતુ હવે ઝોમેટોએ ચોખવટ કરી છે કે તે સ્વિગી સાથે મર્જર કરવાની નથી.

દીપિન્દર ગોયલની આગેવાની હેઠળની ઝોમેટોએ કહ્યું છે કે તે મર્જર અંગે કોઈ પણ કંપની સાથે વાટાઘાટ કરી રહી નથી.

ઝોમેટોના એક પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે અમે અમારા જ બિઝનેસ પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને અમને ચિક્કાર નફો મળવાની આશા છે. અમે મર્જર માટે કે હસ્તાંતરણ માટે સ્વિગી કંપની સાથે કોઈ પ્રકારની વાટાઘાટ કરી રહ્યા નથી.

ઝોમેટો અને સ્વિગી મર્જ થવાની છે એવા ફર્સ્ટપોસ્ટમાં અહેવાલ હતો. એને પગલે ઝોમેટોએ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. અહેવાલમાં જણાવાયું હતું કે દેશની બે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ – ઝોમેટો અને સ્વિગી એકબીજામાં વિલીન થવા માટે વાટાઘાટ કરી રહી છે. આનું કારણ એ છે કે એમેઝોન કંપની ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી બિઝનેસમાં વિસ્તરણ કરવાનો પ્લાન ઘડી રહી છે અને ઉબર ઈટ્સ પણ વિસ્તરણમાં આક્રમક બની રહી હોવાથી હરીફ કંપનીઓ ઝોમેટો અને સ્વિગી સાથે મળી જવાની છે.

ઝોમેટો અને સ્વિગી મર્જ થવાની છે એવા અહેવાલો 2017માં પણ આવ્યા હતા.

આ વખતે ઝોમેટોનાં પ્રવક્તાએ કહ્યું છે કે આ બધી અફવાઓ છે અને તદ્દન ખોટી વાત છે.

સ્વિગીએ ફર્સ્ટપોસ્ટના અહેવાલ અંગે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.

ઝોમેટો હાલ ભારતભરમાં દોઢ લાખ જેટલી રેસ્ટોરન્ટ્સ પાસેથી દરરોજ આશરે 13 લાખ જેટલા ઓર્ડર મેળવે છે. મતલબ કે દરરોજ પ્રતિ રેસ્ટોરન્ટ પાસેથી એ 10થી વધારે ઓર્ડર મેળવે છે.

2019-20ના નાણાકીય વર્ષના પહેલા હાફમાં ઝોમેટોની આવક ત્રણ ગણી વધી ગઈ હતી. 2018-19માં તે 6 કરોડ 30 લાખ ડોલર હતી, જે આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં વધીને 20 કરોડ 5 લાખ ડોલર થઈ હતી. ઝોમેટોની હાજરી હાલ દેશમાં 556 શહેરોમાં છે.

બીજી બાજુ, સ્વિગી પણ ભારતમાં 500 શહેરોમાં તેની સેવા પૂરી પાડી રહી છે. એ ઝોમેટોનું દરેક પગલે પગલું દબાવી રહી છે. સ્વિગીએ પોતાના નેટવર્કમાં છેલ્લા છ મહિનામાં નવી 60 હજાર રેસ્ટોરન્ટ્સનો ઉમેરો કર્યો છે અને આવતા ડિસેંબરના અંત સુધીમાં એ પોતાનું નેટવર્ક વધારીને 600 શહેરોનું કરી દેશે.

જો ઝોમેટો-સ્વિગી મર્જર, ધારો કે થાય તો, એ તરત જ કોમ્પીટિશન કમિશન ઓફ ઈન્ડિયાની ચકાસણી હેઠળ આવી જશે.