વર્ક-ફ્રોમ-હોમ નીતિને કારણે ઓફિસ-સ્પેસની ડિમાન્ડને ફટકો પડ્યો

મુંબઈઃ કોરોના વાઈરસ જાગતિક બીમારી ફેલાવાને કારણે મોટા ભાગની ઓફિસોએ વર્ક-ફ્રોમ-હોમની નીતિ અપનાવતા વર્ષ 2020માં ઓફિસ સ્પેસ ભાડે/લીઝ પર આપવાના સોદાઓમાં ધરખમ ઘટાડો થયો છે. 2020ના વર્ષમાં નેટ ઓફિસ સ્પેસ લીઝિંગનું પ્રમાણ 44 ટકા જેટલું ઘટીને 25.82 ટકા થયું છે. દેશના સાત મુખ્ય શહેરોમાં કોર્પોરેટ કંપનીઓએ એમની વિસ્તરણ યોજનાઓને મુલતવી રાખી છે અને કર્મચારીઓને માટે વર્ક-ફ્રોમ-હોમ નીતિ અપનાવી છે, એનું આ કારણ છે.

જેએલએલ ઈન્ડિયા દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણનું તારણ કહે છે, દેશના સાત મુખ્ય શહેરો – દિલ્હી રાષ્ટ્રીય પાટનગર, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, પુણે અને બેંગલુરુમાં વર્ષ 2019માં કુલ 4 કરોડ 65 લાખ સ્ક્વેર ફીટ એરિયાની ઓફિસ સ્પેસ લીઝ પર આપવામાં આવી હતી. આ વર્ષના જાન્યુઆરી-માર્ચમાં 88 લાખ સ્ક્વેર ફીટ ઓફિસ સ્પેસ લીઝ પર અપાઈ હતી. પરંતુ તે પછીના ક્વાર્ટરમાં કોરોના વાઈરસને લીધે દેશવ્યાપી લોકડાઉન લાગુ થવાને કારણે તે આંકડો ઘટીને 33 લાખ સ્ક્વેર ફીટ થઈ ગયો હતો. જોકે આ વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળામાં ડિમાન્ડમાં ફરી 52 ટકાનો ધરખમ ઉછાળો પણ આવ્યો છે. આ ક્વાર્ટરમાં 82 લાખ 70 હજાર સ્ક્વેર ફીટ ઓફિસ જગ્યાઓ ભાડેથી વેચાઈ હતી. એની પહેલાના ક્વાર્ટરમાં આ આંકડો 54 લાખ 30 હજાર સ્ક્વેર ફીટ હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]