શું ઈનકમ સપોર્ટ સ્કીમ સફળ થઈ શકે છે? જાણો ઈટાલીમાં શું થયું…

નવી દિલ્હી- ઈટાલીમાં સિટિઝન સ્કીમ 6 માર્ચથી લાગુ થઈ ગઈ છે. આ સ્કીમમાં બેરોજગારો અને ગરીબ પરિવારોને ઓછામાં ઓછી માસિક આવકની ગેરંટી આપવામાં આવે છે. ભારતે ઈટાલીની આ સ્કીમ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે, અહીં રાહુલ ગાંધી જેવા નેતા મિનિમમ ઈનકમ ગેરંટીનો પક્ષ લઈ રહ્યાં છે.

ઈટલીની સિટિઝન ઈનકમ સ્કીમ, કેનેડામાં પાયલટ પ્રોજેક્ટના રૂપમાં લાગૂ કરેલી યોજનાની જેમ યૂનિવર્સલ બેસિક ઈનકમ નથી. એટલે કે, ઈટલીમાં કેનેડાની જેમ દરેક વ્યક્તિ અને પરિવારને નહીં પરંતુ માત્ર બેરોજગારો અને ગરીબ પરિવારોને જ ઓછામાં ઓછી આવકની ગેંરટી આપવામાં આવે છે. ઈટલીની સરકારે બેરોજગારો અને ગરીબ પરિવારોને સિટિઝન ઈનકમના કાર્ડ આપ્યા છે.

ઈટલીની સરકારે દરેક બેરોજગારોને 780 યૂરો (અંદાજે 62 હજાર રૂપિયા) પ્રતિ મહિને આપવાની જોગવાઈ કરી છે. તો સરકારને અંદાજ છે કે, આ યોજનાથી 65 લાખ લોકોને મદદ મળશે. અન્ય કેટલાક અંદાજોમાં આ યોજના પર કુલ 15 અબજ યૂરો (અંદાજે 12 ખરબ રૂપિયા)નો વાર્ષિક ખર્ચ સરકારી તિજોરી પર પડશે.

યોજનાની શરતો

ઈટલી 33 ટકા બેરોજગારી દર સાથે યૂરોપીય દેશોમાં બીજા નંબર પર છે. આર્થીક મંદી અને એક દાયકા સુધી આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ)ના કડક વલણનો સામનો કરી ચૂકેલ ઈટલીમાં અત્યાર સુધી બેરોજગારોને આર્થીક મદદ માટે કોઈ યોજના નહતી. આ યોજનામાં જે શરતો રાખવામાં આવી છે તે મુજબ લાભાર્થીઓએ પ્રથમ ત્રણ જોબ ઓફરમાંથી કોઈ પણ એક જોબ પસંદ કરવી પડશે.

આ યોજના પરથી ભારત શું કરી શકે છે

ભારતમાં મનરેગા હેઠળ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 100 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવે છે. જેમાં મિનિમમ ઈનકમ ગેરંટી જેવી યોજના જોડવી કારગર સાબિત થઈ શકે છે. આ યોજનાના લાભાર્થીઓ માટે સપ્તાહમાં 8 કલાકનું સામુદાયિક સેવા કાર્ય અને લોકલ ઓથોરિટીઝ તરફથી આપવામાં આવતી ટ્રેનિંગમાં ભાગ લેવો ફરજિયાત કરવો જોઈએ.

સાથે જ ઈનકમ ગેરંટીના નાણાં મહિનામાં ખર્ચ ન કરવામાં આવ્યા હોય તો, તેને લાભાર્થીઓના ખાતમાંથી પરત ખેંચી લેવાની પણ જોગવાઈ હોવી જોઈએ.

બેંક ખાતાઓને આધાર સાથે લિંક કરવાને કારણે એ જાણવું સરળ બની જશે કે, કોના ખાતમાં કેટલા નાણાં છે. આમ જોઈએ તો ઈટલીમાં લાગુ કરાયેલી યોજનાને ભારત પોતાના માટે પાયલટ પ્રોજેક્ટના રૂપમાં જોઈ શકે છે.