અધધધ… ત્રીજા ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાની ખોટ વધીને થઈ રૂ. 5,005 કરોડ

મુંબઈ – બ્રિટિશ ટેલિકોમ ઓપરેટર વોડાફોનની ભારતીય કંપની અને આદિત્ય-બિરલા દ્વારા પ્રમોટ કરાયેલી આઈડિયાનું વિલિનીકરણ થયા બાદ બનેલી વોડાફોન આઈડિયા લિમિટેડ કંપની ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની છે. પરંતુ, દેશમાં તીવ્ર હરીફાઈને કારણે આ કંપની હજી પણ ખોટ કરી રહી છે.

2018ના ડિસેંબરમાં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં આ કંપનીએ રૂ. 5,005 કરોડની ખોટ કરી હોવાનું દર્શાવ્યું છે.

રિલાયન્સ જિયોએ ફ્રી વોઈસ કોલ્સ અને સાવ સસ્તા ડેટા ટેરિફ્સ સાથે ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ વોડાફોન અને આઈડિયાને મર્જ થવુું પડ્યું હતું.

એક વર્ષ પહેલાંના ત્રીજા ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાએ રૂ. 1,284.5 કરોડની ખોટ કરી હતી.

વોડાફોન અને આઈડિયાનું મર્જર 2018ની 31 ઓગસ્ટે પૂરું થયું હતું એટલે વર્ષાનુસાર આંકડાની સરખામણી કરી શકાય નહીં.

હરીફ ભારતી એરટેલે પણ ખોટ કરી છે. ત્રીજા ક્વાર્ટરમાં એનો નફો 72 ટકા ઘટી ગયો હતો.

એકમાત્ર જિયોએ જ નફો કર્યો છે. 31 ડિસેંબરે પૂરા થયેલા ક્વાર્ટર માટે એની ચોખ્ખી આવકમાં 65 ટકા ઉછાળો નોંધાયો હતો. દેશમાં ટેલિકોમ ક્ષેત્રમાં બીજી કોઈ પણ કંપનીએ નફો કર્યો નથી.

વોડાફોન આઈડિયાની કુલ આવકનો આંકડો રૂ. 11,982.8 કરોડ છે. જુલાઈ-સપ્ટેંબરના ક્વાર્ટરમાં આ આંક રૂ. 7,878.6 કરોડ હતો. આમ, તે 52 ટકાનો ઉછાળો દર્શાવે છે.

પ્રત્યેક યુઝર દીઠ વોડાફોન આઈડિયાની સરેરાશ આવક 89 રૂપિયા છે.

આ કંપનીનો 4G ધારક વર્ગ વધ્યો છે. નવા 95 લાખ લોકો ઉમેરાયા છે અને એનો કુલ આંક વધીને થયો છે 7 કરોડ 53 લાખ.