રોટોમેકના માલિક વિક્રમ કોઠારીની અટકાયત, 800 કરોડના કૌભાંડમાં CBIનો દરોડા

કાનપુર- પંજાબ નેશનલ બેંક મહાકૌભાંડ બાદ હવે રોટોમેક કંપનીના માલિક પર પણ બેંક લોન ન ચૂકવી હોવાનો આરોપ લાગ્યો છે. સીબીઆઈએ કંપનીના માલિક વિક્રમ કોઠારીની કાનપુરથી ધરપકડ કરી છે. સીબીઆઈએ 800 કરોડ રૂપિયાની લોન ન ચૂકવી હોવાના મામલે કાનપુરમાં દરોડા પાડ્યા છે. આ દરોડા બેંક ઓફ બરોડાની ફરિયાદ પછી પાડવામાં આવ્યા છે.

કાનપુરની રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી પર બેંકોની 3 હજાર કરોડની લોન ન ચૂકવી હોવાનો આરોપ છે. સતત એ પ્રકારની વાતો કહેવામાં આવી રહી હતી કે નિરવ મોદીની જેમ વિક્રમ કોઠારી પણ દેશ છોડીને ચાલ્યા ગયા છે. પરંતુ કોઠારીએ આ વાતનું ખંડન કર્યું છે. કોઠારીએ જણાવ્યું કે તેઓ દેશ છોડીને નથી ગયા પરંતુ અહીંયા કાનપુરમાં જ છે.

કોઠારીએ જણાવ્યું કે મેં બેંકો પાસેથી લોન લીધી છે તે વાત સાચી પરંતુ એ વાત ખોટી છે કે હું બેંકોની લોન નથી ચૂકવી રહ્યો. કોઠારીએ જણાવ્યું કે કાનપુરથી બહાર હું ગયો નથી અને જઈશ પણ નહી. મારા ભારત દેશ જેવો મહાન દેશ કોઈ નથી. તેમણે જણાવ્યું કે બિઝનેસ ડીલના કારણે તેઓની બહારના દેશોમાં અવરજવર રહેતી હોય છે.

આપને જણાવી દઈએ કે કાનપુરના વેપારી વિક્રમ કોઠારી પર આરોપ છે કે તેમના પર પાંચ રાષ્ટ્રીયકૃત બેંકોનું આશરે 3000 કરોડ રૂપિયાનું દેવું છે અને કોઠારીએ આ દેવામાંથી એક પણ પાઈ પાછી આપી નથી.