માલ્યાની મિલકતની હરાજી કરી 963 કરોડ રુપિયા વસૂલાયાં: SBI

નવી દિલ્હી- ભારતીય બેન્કો પાસેથી હજારો કરોડ રુપિયાની લોન લઈને ઈંગ્લેન્ડ ભાગી ગયેલા લીકર કિંગ વિજય માલ્યા પર ગાળીયો કસાઈ રહ્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો છે કે, તેણે વિજય માલ્યાની સંપત્તિની હરાજી કરીને 963 કરોડ રુપિયાની વસૂલાત કરી છે. આ માહિતી SBIના જનરલ મેનેજર અરિજિત બસુએ આપી હતી.સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, SBI માલ્યાની સંપત્તિની હરાજી કરીને વધારે લોનની વસૂલાત કરશે. તેમણે જણાવ્યું કે, આ એક કાયદાકીય પ્રક્રિયા છે. અને સુરક્ષાનો અધિકાર છે. અરિજિત બસુએ વધુમાં જણાવ્યું કે, માલ્યા પાસેથી લોનની મહત્તમ રકમ મેળવવા માટે SBI બ્રિટિશ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.

બ્રિટિશ કોર્ટ દ્વારા માલ્યાની મિલકતને જપ્ત કરવાની પરવાનગી આપવા બાબતે અરિજિત બસુએ ખુશી વ્યક્ત કરી છે. બસુએ જણાવ્યું કે, અમે આ આદેશથી ખૂબ ખુશ છીએ. આ પ્રકારના આદેશથી આ મિલકતો જપ્ત કરવાનું અમારા માટે સરળ બનાવશે. તેમણે કોઈ પણ આંકડા રજૂ કર્યા વગર કહ્યું કે, અમે આશા રાખીએ કે, બેન્ક લોનની સારી એવી રકમ વસૂલ કરી શકાશે.

આપને જણાવી દઈએ કે, આ પહેલાં બ્રિટિશ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, બ્રિટિશ અધિકારી લંડન સ્થિત વિજય માલ્યાની સંપત્તિઓની તપાસ કરી શકશે અને જરુર પડ્યે તેને જપ્ત પણ કરી શકે છે.