ખાનગીકરણ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રુપને લીઝ પર આપવાની કેન્દ્ર સરકારે છૂટ આપી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ કેન્દ્રીય પ્રધાનમંડળે અમદાવાદ, લખનઉ અને મેંગલુરુના વિમાનીમથકો, જે હાલ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને હસ્તક છે, તે ખાનગીકરણ માટે જાહેર-ખાનગી ક્ષેત્રની ભાગીદારી મારફત અદાણી એન્ટરપ્રાઈઝને લીઝ પર આપવાના પ્રસ્તાવને આજે મંજૂરી આપી છે.

અમદાવાદ, લખનઉ અને મેંગલુરુ એરપોર્ટ્સનું 50 વર્ષ સુધી સંચાલન કરવાનો અધિકાર અદાણી ગ્રુપને આપવાના પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

કેન્દ્ર સરકારે દેશના છ વિમાનીમથકોનું ખાનગીકરણ કરવાનો અધિકાર આપવાનું નક્કી કર્યું હતું અને અમદાવાદસ્થિત અદાણી ગ્રુપે ગયા ફેબ્રુઆરીમાં તે અધિકાર જીત્યો હતો.

સરકાર જેનું ખાનગીકરણ કરવા માગે છે તે અન્ય ત્રણ એરપોર્ટ છે – જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ.

અદાણી ગ્રુપે આ તમામ છ એરપોર્ટ્સનું સંચાલન કરવા માટે સૌથી ઊંચી બોલી લગાવી હતી.

સરકારે આ તમામ છ એરપોર્ટ્સનું ખાનગીકરણ કરવા માટેના પ્રસ્તાવને ગયા વર્ષના નવેંબરમાં મંજૂર કર્યો હતો. સરકારને એ માટે અદાણી ગ્રુપ, જીએમઆર, એએમપી કેપિટલ, નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સહિત 10 કંપનીઓ તરફથી 32 ટેક્નિકલ બિડ્સ મળ્યા હતા.

આ નિર્ણયથી શું અસર થશે?

આ પ્રોજેક્ટ્સથી સરકારી ક્ષેત્રમાં જરૂરી મૂડીરોકાણ મળવા ઉપરાંત ડિલિવરી, કુશળતા, ઉદ્યોગસાહસિકતા અને વ્યાવસાયિકતામાં કાર્યદક્ષતા આવશે. એનાથી એએઆઈની આવકમાં પણ વધારો થશે, જે એએઆઈને ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં વધારે મૂડીરોકાણ કરવા તરફ દોરી શકે છે. વળી, આ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કરવા અને સંબંધિત માળખાગત સુવિધાઓની દ્રષ્ટિએ આર્થિક વિકાસને વેગ પણ મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]