F & Oની એક્સપાયરીએ બે તરફી વધઘટ, સેન્સેક્સ 25 પોઈન્ટ માઈનસ

અમદાવાદ– શેરબજારમાં બે તરફી વધઘટે નરમાઈ રહી હતી. ફેબ્રુઆરી ફ્યુચર ઓપ્શન કોન્ટ્રેક્ટનો આજે છેલ્લો દિવસ હતો, જેથી ઉભા ઓળિયા સુલટાવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા, પરિણામે શેરોના ભાવ અને ઈન્ડેક્સ બે બાજુની વધઘટમાં અથડાયા હતા. જો કે તેજીના નવા કારણોનો અભાવ હતા. પંજાબ નેશનલ બેંકના કૌભાંડની અસર અન્ય બેંકો પર પડશે, જેથી શેરબજારમાં અવિશ્વાસનું વાતાવરણ હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 25.36(0.07 ટકા) ઘટી 33,819.50 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 14.75(0.14 ટકા) ઘટી 10,382.70 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ આજે સવારે ભારતીય શેરોના ભાવ નીચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. ત્યાર બાદ નવી વેચવાલી ચાલુ રહી હતી. જો કે સામે મંદીવાળા ખેલાડીઓની વેચાણ કાપણી પણ આવી હતી. જેથી આજે ટ્રેડિંગ સેશન દરમિયાન બે તરફી મોટી વધઘટ જોવાઈ હતી. ટ્રેડિંગ સેશનના અંત ભાગમાં પણ વેચાણો કપાયા હતા. અને માર્કેટ ઘટ્યા મથાળેથી ઝડપી સુધરીને આવ્યું હતું. ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં રિઅલ્ટી, ફાર્મા અને બેંક સેકટરના શેરોમાં લેવાલી આવી હતી. જો કે સામે ઓટો, એફએમસીજી, મેટલ અને સરકારી બેંકોના શેરોમાં વેચવાલીનું પ્રેશર રહ્યું હતું.

  • રોટોમેક કંપનીમાં અલહાબાદ બેંકના 516 કરોડ ફસાયા છે, આ સમાચારથી અલહાબાદ બેંકના શેરોમાં ભારે વેચવાલી આવી હતી.
  • પીએનબીના શેરનો ભાવ વધુ રુ.2.45(2.09 ટકા) ઘટી રુ.114.65 બંધ રહ્યો હતો.
  • પીએનબી હાઉસીંગ ફાયનાન્સના શેરનો ભાવ રુ.7.00(0.58 ટકા) ઘટી રુ.1203.10 બંધ થયો હતો.
  • ગીતાજંલી જેમ્સના શેરનો ભાવ વધુ રુ.1.35(4.92 ટકા) ઘટી રુ.26.10 લોઅર સર્કિટમાં બંધ રહ્યો હતો.
  • આજે ફેબ્રુઆરી એફ એન્ડ ઓની એક્સપાયરી હતી. જેથી મોટાભાગે ઉભા ઓળિયા સરખા કરવારુપી ટ્રેડિંગ વિશેષ હતા.
  • ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ અને પીએસયુ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • જો કે બેંક, ફાર્મા, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં ટેકારુપી લેવાલીથી મજબૂતી હતી.
  • રોકડાના શેરોમાં વેચવાલીનો દોર ચાલુ રહ્યો હતો. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 89.32 માઈનસ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 76.41 ઘટ્યો હતો.
  • રીલાયન્સ ઈન્ફ્રાને રુ.3647 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે.
  • કોલ ઈન્ડિયાએ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે રુ.2900 કરોડનો ખર્ચ કર્યો છે.