ટ્રાઈ રીપોર્ટઃ ડાઉનલોડ અને અપલોડ સ્પીડમાં આ કંપનીઓ છે નંંબર વન

નવી દિલ્હીઃ ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઇના ઓક્ટોબર મહિનાના અહેવાલ અનુસાર દેશના બધા 4G ઓપરેટરમાં રીલાયન્સ જિઓ ડાઉનલોડની સરેરાશ ૨૨.૩ Mbps સ્પીડ સાથે સૌથી આગળ રહ્યું હતું જયારે આઈડિયા સેલ્યુલર અપલોડ સ્પીડમાં સૌથી આગળ રહ્યું હતું.ટેલીકોમ રેગ્ગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયા (ટ્રાઇ)ના માયસ્પીડ પોર્ટલ ઉપર મુકવામાં આવેલા ઓક્ટોબર મહિનાના અહેવાલમાં રીલાયન્સ જિઓના સૌથી નજીકના સ્પર્ધક ભારતી એરટેલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ ૯.૫ મેગાબીટ્સ પર સેકન્ડ (Mbps) નોંધાઇ જે રિલાયન્સ જિયોની ડાઉનલોડ સ્પીડ કરતા અર્ધાથી પણ ઓછી છે.

ખાનગી કંપની ઓપન સિગ્નલના નવેમ્બરમાં રજુ થયેલા જૂનથી ઓગસ્ટના સમયગાળાના અહેવાલ અનુસાર એરટેલની 4G ડાઉનલોડ સ્પીડ સૌથી વધુ છે પણ ટ્રાઇના અહેવાલ અનુસાર જિઓ જૂન અને ઓગસ્ટ મહિનામાં પણ એરટેલ કરતા વધારે ઝડપી ડાઉનલોડ સ્પીડ સાથે આગળ રહ્યું છે.ભારતમાં વોડાફોન અને આઈડિયાએ મર્જર કર્યું છે પણ બન્ને પોતાની અલગ બ્રાંડની કાર્યરત હોવાથી ટ્રાઇના અહેવાલમાં બન્નેની સ્પીડ અલગથી દર્શાવવામાં આવે છે. ઓક્ટોબરમાં વોડાફોનની સરેરાશ ડાઉનલોડ સ્પીડ ૬.૬ Mbps અને આઈડિયાની ૬.૪ Mbps નોંધાઇ હોવાનું અહેવાલમાં જણાવ્યું છે.

જોકે, અપલોડ સ્પીડમાં આઈડિયા ૫.૯ Mbps સાથેની સરેરાશ સ્પીડથી ઓક્ટોબર મહિનામાં સૌથી આગળ રહ્યું છે. ઈન્ટરનેટનો ઉપયોગ, વિડીયો, ઈ-મેલ ચેક કરવા જેવી ચીજો માટે ડાઉનલોડની સ્પીડ વધારે હોવી જરૂરી છે જયારે ગ્રાહક ફોટોગ્રાફ્સ, વિડીયો અને અન્ય ફાઈલ અન્યને મોકલે ત્યારે અપલોડ સ્પીડ વધારે મહત્વની બને છે.અપલોડ સ્પીડમાં વોડાફોન કરતા વધારે ઝડપી અપલોડ સ્પીડ સાથે જિઓ બીજા ક્રમે આવી ગઈ છે. જિઓની અપલોડ સ્પીડ ૫.૧ Mbps નોંધાઇ છે જયારે વોડાફોન ૪.૮ Mbps અને એરટેલની સરેરાશ અપલોડ સ્પીડ ૩.૮ Mbps રહી હતી.

છેલ્લા ઘણા સમયથી જિઓ અને આઈડિયા પોતાની ડાઉનલોડ અને અપલોડ સ્પીડ સાથે અગ્ર ક્રમે રહ્યા છે. રીયલ ટાઇમ ધોરણે, માઈસ્પીડ પોર્ટલ ગ્રાહકના ડેટા એકત્ર કરી સ્પીડની ગણતરી ટ્રાઇ દ્વારા કરવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]