એન્જિનવિહોણી ‘Train 18’ હવેથી ‘વંદે ભારત એક્સપ્રેસ’ તરીકે ઓળખાશે

નવી દિલ્હી – રેલવે પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું છે કે ભારતની પ્રથમ એન્જિનવિહોણી ટ્રેન ‘Train 18’નું નામકરણ કરવામાં આવ્યું છે અને હવેથી તે ‘વંદે ભારત એક્સપ્રેસ’ તરીકે ઓળખાશે.

નવી દિલ્હી-વારાણસી વચ્ચે દોડનારી આ ટ્રેન હજી શરૂ કરવામાં આવી નથી.

ચેન્નાઈસ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં ઉત્પાદિત ‘વંદે ભારત એક્સપ્રેસ’માં ચેર-કાર ટાઈપના 16 ડબ્બાઓ છે. જે એક્ઝિક્યૂટિવ અને નોન-એક્ઝિક્યૂટિવ તરીકે ઓળખાશે.

ટ્રેનમાં બે એક્ઝિક્યૂટિવ ચેર-કાર્સ અને 14 નોન-એક્ઝિક્યૂટિવ ચેર-કાર્સ ડબ્બાઓ છે.

ટ્રેનમાં એક્ઝિક્યૂટિવ ચેર-કાર્સમાં 56 જણને બેસવાની ક્ષમતા છે જ્યારે નોન-એક્ઝિક્યૂટિવ ચેર-કાર્સમાં 78 પ્રવાસીઓ બેસી શકશે.

આ ટ્રેનમાં પ્રવાસીઓને ઓનબોર્ડ વાઈફાઈ તથા ઈન્ફોટેઈનમેન્ટ સુવિધાઓ મળશે. જીપીએસ-બેઝ્ડ પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ હશે. દરેક સીટની નીચે ગેજેટ્સ માટે ચાર્જિંગ પોઈન્ટ્સ છે. દરેક ડબ્બામાં સીસીટીવી કેમેરા મૂકેલા છે.

‘વંદે ભારત એક્સપ્રેસ’માં ઓટોમેટિક દરવાજાઓ છે. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચ્યા બાદ દરવાજાઓ ખૂલશે.

ટ્રેનમાં ઈન્ટરકનેક્ટિંગ દરવાજાઓ તથા કનેક્ટિંગ એરિયાઝ પણ છે. જેથી પ્રવાસીઓ મુક્તપણે ચાલી શકશે.

ટ્રેનમાં ઝીરો ડિસ્ચાર્જ બાયો-વેક્યૂમ શૌચાલયો છે અને ટચ-ફ્રી બાથરૂમ ફિટિંગ્સ છે.

દરમિયાન, ટ્રેનમાં ટિકિટભાડું શતાબ્દી એક્સપ્રેસ કરતાં 40-50 ટકા વધારે રહેશે.

ટ્રેન આઠ કલાકમાં દિલ્હીથી વારાણસી પહોંચશે. સામાન્ય રીતે આ બે સ્ટેશન વચ્ચે હાલની સૌથી ફાસ્ટ ટ્રેન 11.30 કલાકનો સમય લે છે.

આ ટ્રેન 750 કિ.મી.ના રૂટ પર મહત્તમ 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડશે.

આ ટ્રેન પ્રયાગરાજના કુંભ મેળા વખતે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોન્ચ કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ તેમ થઈ શક્યું નથી. વડા પ્રધાન કાર્યાલયે એ માટે વધારે સમય માગ્યો છે. હવે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થઈ જાય તે પછી આ ટ્રેનને વડા પ્રધાન મોદી લીલી ઝંડી બતાવે એવી ધારણા છે.

આ ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડાવવામાં આવનાર છે. વારાણસી પીએમ મોદીનો સંસદીય મતવિસ્તાર છે.