અનિચ્છનીય કોલ્સના નિયમો પર ચર્ચા કરવા ટેલિકોમ કંપનીઓ સાથે બેઠક કરશે TRAI

નવી દિલ્હી- ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) ટેલિકોમ કંપનીઓ સાથે અનિચ્છિત કોલ્સ પરના નવા નિયમો અંગે ઉદ્યોગ જગતની ચિંતાઓ પર વિચાર કરશે. ટ્રાઇના પ્રમુખ આર.એસ. શર્માએ જણાવ્યું કે, અનિચ્છિત ટેલિમાર્કેટિંગ કોલ્સ અને સંદેશાઓનો કેસ ખૂબ ગંભીર છે જેને અવગણવામાં આવી શકે નહીં. આપને જણાવી દઈએ કે, શર્માની વધુ બે વર્ષ માટે ટ્રાઇના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.શર્માએ જણાવ્યું હતું કે, તેમણે અનિચ્છનીય કોમર્શિયલ કૉલ્સ અથવા સંદેશા અંગે તેમની ફરિયાદો વિશે જાણવા માટે ઓપરેટરોની એક બેઠક બોલાવવા અધિકારીઓને સૂચના આપી છે. આ બાબતે તેમની ફરિયાદો મહત્વપૂર્ણ છે. કારણ કે નવા નિયમોને લઈને ઉદ્યોગજગતમાં ચિંતા છે.

સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ (સીઓએઆઇ) અનિચ્છિત કોલ્સ પર અંકુશ લગાવવાના નવા નિયમો વિશે ચિંતા વ્યક્ત કરી છે. ઓપરેટર્સનું કહેવું છે કે, નવા નિયમો જટિલ, વધુ સમય માગી લેનારા અને ખર્ચ અને લાભના વિશ્લેષણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા નથી.

શર્માએ જણાવ્યું કે, ‘મેં મારા અધિકારીઓને ઓપરેટર્સને બોલાવવા અને આ વિશે તેમને સમજણ આપવા જણાવ્યું છે. શક્ય છે કે, નિયમનકર્તાઓ જે કહી રહ્યા છે તેને લઈને ઓપરેટર્સ અને નિયમનકર્તાઓ વચ્ચે યોગ્ય સમજનો અભાવ હોય. અમલીકરણના કેટલાંક મુદ્દાઓ હોઈ શકે છે. જેને લઈને અમે તેમની સાથે ચર્ચા કરીશું અને સમજવા પ્રયાસ કરીશું કે, સમસ્યા ક્યાં છે’.